
- ફૂડ ડિલીવરી માટે પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને અગ્રતા આપવા અનુરોધ: ફૂડ ડિલિવરી ખર્ચ કિલોમીટર દીઠ 2.5 રૂપિયાને બદલે 50 પૈસા જેટલો નીચો આવી શકે
અમદાવાદ,20 ઓગસ્ટ (હિ.સ.) નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026 નો પ્રારંભ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં થયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રમાં મજબૂત સહયોગ આપનાર ફૂડ સેક્ટરને ગંભીરતાથી લેવું રહ્યું.
દેશના કુલ અર્થતંત્રમાં ફૂડ અને ફૂડ રિલેટેડ બિઝનેસ અંદાજે રૂ. 5.69 લાખ કરોડનું યોગદાન આપે છે. આગામી સમયમાં આ યોગદાન રૂ. 7.5 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આજે આ સેક્ટરમાં આશરે 75 લાખ કરતાં વધારે લોકોને રોજગારી મળી રહી છે. આગામી સમયમાં એક કરોડથી વધુ લોકોને આ સેક્ટર દ્વારા રોજગાર પ્રાપ્ત થવાનો અંદાજ છે. બહુ ઓછા સેક્ટર આટલા મોટા પ્રમાણમાં રોજગારી આપતા હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે રિન્યુએબલ એનર્જી ડે છે ત્યારે ખાસ કરીને ગુજરાતના રેસ્ટોરન્ટ માલિકો અને ફૂડ ડિલીવરી સેક્ટર સાથે સંકળાયેલા લોકોને ખાસ અપીલ છે કે,તેઓ ફૂડ ડિલીવરી માટે પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે તો ફૂડ ડિલીવરીનો ખર્ચ કિલોમીટર દીઠ 2.5 રૂપિયાને બદલે 50 પૈસા જેટલો નીચો આવી શકે અને પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકે, એવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં ગિફ્ટ સિટીનું સપનું જોયું હતું ત્યારે તેને દિવાસ્વપ્ન ગણાવાયું હતું, પરંતુ આજે ફિટટેક સિટીએ ગાંધીનગરમાં આકાર લઈ લીધો છે. આજે ગિફ્ટ સિટીમાં દુનિયાભરમાંથી ફિન ટેક ક્ષેત્રે એન્કર ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. મોટા પાયે બુલયન ટ્રેડિંગ થઈ રહ્યું છે.
વડાપ્રધાનના વિઝનથી સાકાર થયેલા ગિફ્ટ સિટીમાં પણ ફૂડ સેક્ટર માટે અનેક તક છે. ગુજરાત ઇમોશનલ અને ઓપોર્ચ્યુનિટીઝ ધરાવતું રાજ્ય છે. આ તમારા સપનાંઓને સાકાર કરતું રાજ્ય છે. ગિફ્ટ સિટીમાં રોકાણ કરીને તમે તમારા સપનાંઓ સાકાર કરી શકો છો, એવું તેમણે ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ મોટાં શહેરો ઉપરાંત ગુજરાતમાં સ્ટેટ્યૂ ઑફ યુનિટી, શિવરાજપુર બીચ, ધરોઈ ડેમ, કચ્છનું સફેદ રણ, ગીર વગેરે સ્થળોએ પણ પોતાનો ફૂડ બિઝનેસ શરૂ કરવા માટે અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આ પ્રવાસન સ્થળોએ અમે માળખાકીય સુવિધા અને અન્ય સગવડો કરી આપીશું, તમે સારા આઇડિયા સાથે આવો તો રાજ્ય સરકાર તમને તમામ સહયોગ આપવા તૈયાર છે. તમારે કેપેક્સનું જોખમ લેવાનું નથી. ઓપેક્સ તમારી રીતે કરો. ગુજરાત રોકાણની સામે સારું વળતર આપતું રાજ્ય છે.
સ્ટેટ્યૂ ઓફ યુનિટથી લઈને કચ્છ-ગીર સુધી ફૂડ ડિલીવરી ઇકોસિસ્ટમ વિકસાવવામાં રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું.
સંઘવીએ ફૂડ ડિલીવરી સમિટ પ્રકારના વાર્ષિક ઉત્સવો-બેઠકો ગુજરાતમાં જ યોજવા માટે પણ અનુરોધ કરીને સરકાર તરફથી તમામ સહયોગ મળી રહેશે, એવું જણાવ્યું હતું.
આ પ્રસંગે NRAIના પ્રેસિડેન્ટ સાગર દરયાનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું તો NRAIના અમદાવાદ ચેપ્ટરના હેડ આનલ કોટકે સૌને આવકાર્યા હતા.
આ સમારંભમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI)ના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ રુંગટા, કો-ચેપ્ટર હેડ દિલીપ ઠક્કર, ટ્રેઝરર ચિરાયુ અગ્રવાલ, જોઇન્ટ સેક્રેટરી પંકજ પાઠક અને દર્શન દાસાણી સહિતના હોદ્દેદારો અને રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ એક દિવસીય સમિટમાં દેશભરનાં 30થી વધુ શહેરોમાંથી 1500થી વધુ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલા 5000થી વધારે લોકો વિવિધ સત્રો અને કાર્યશાળાઓમાં સહભાગી થયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ