
ભાવનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. મંત્રી વાઘાણીએ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી તેમજ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર અને આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી.
મંત્રીએ અસરગ્રસ્ત દર્દીઓ સાથે વાતચીત કરી તેમની આરોગ્ય સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત દર્દીઓને આપવામાં આવતી તબીબી સારવાર, દવાઓ તેમજ અન્ય જરૂરી આરોગ્ય સેવાઓ અંગે તબીબી અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
સર.ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ કેરવી દેસાઈ સાથે મંત્રી વાઘાણીએ સારવારની સમગ્ર વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અસરગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ અને સમયસર સારવાર મળી રહે તેમજ સારવારમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મંત્રી વાઘાણીએ હોસ્પિટલ તંત્રને અસરગ્રસ્તોની સારવારને પ્રાથમિકતા આપી તમામ જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવા જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર રેન્જ આઈજી આર.બી. અસારી, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક ડૉ. નિતેષ પાંડેય, કુમારભાઈ શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA