

- વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં નામકરણ કરી, મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરાયા
અમદાવાદ, 21 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદના સાયન્સ સિટીની ઍક્વાટિક ગેલેરીમાં બે બાળ પેંગ્વિનનો ઉમેરો થયો છે. આ સાથે જ પેંગ્વિનની કુલ સંખ્યા ૧૦ સુધી પહોંચી છે. આ બંને પેંગ્વિનનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ‘શૌર્ય અને વીર’ નામકરણ કરી, તેમને સામાન્ય મુલાકાતીઓ માટે અન્ય પેંગ્વિનની સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સાયન્સ સિટી હંમેશાંથી બાળકો, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે વિજ્ઞાન, મનોરંજન અને જ્ઞાનનું લોકપ્રિય કેન્દ્ર રહ્યું છે. અહીંની વિવિધ ગેલેરીઓમાં ઍક્વાટિક ગેલેરી તેની અનોખી જળચર દુનિયા અને આકર્ષક પ્રદર્શનને કારણે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ ઍક્વાટિક ગેલેરીમાં આવેલા આફ્રિકન પેંગ્વિન ખાસ કરીને બાળકો સહિત તમામ વયજૂથના મુલાકાતીઓમાં ભારે લોકપ્રિયતા અને કુતૂહલનું કેન્દ્ર બન્યા છે. વર્ષ 2021માં ઍક્વાટિક ગેલેરીની શરૂઆત થઈ ત્યારે માત્ર 5 પેંગ્વિન સાથે આ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સમયાંતરે ગેલેરીમાં 3 પેંગ્વિનનો જન્મ થતાં તેમની સંખ્યા વધીને 8 થઈ હતી.
ગત વર્ષ સપ્ટેમ્બર, ૨૦૨૫માં વધુ એક ખુશખબરરૂપે ઍક્વાટિક ગેલેરીમાં વધુ 2 નર પેંગ્વિનનો જન્મ થયો. જેના કારણે અહીં પેંગ્વિનની કુલ સંખ્યા વધીને 10 પર પહોંચી છે. આ નાના અને સુંદર મહેમાનોના આગમનથી સાયન્સ સિટીની ઍક્વાટિક ગેલેરી વધુ સમૃદ્ધ બની છે.
દરમિયાન, આજે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં આ બંને પેંગ્વિનને સત્તાવાર રીતે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. જે બાળકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ