
ભાવનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ભેળસેળયુક્ત દારૂની બનેલી દુઃખદ ઘટનામાં આઠ લોકોના મૃત્યુને પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ઘટનાક્રમ અને સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિગતો આપી હતી.
મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનો સાથે સંવેદનાથી ઊભી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને શોધી હોસ્પિટલમાં ખસેડવા, મેડિકલ તપાસ કરાવવા અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે, જ્યારે 16 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. પોલીસ દ્વારા આશરે 29 લોકોને શોધી તેમની તબીબી તપાસ અને જરૂરી સારવાર કરાવવામાં આવી છે. સમગ્ર મામલે 21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્ય સરકારે ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે. તપાસના તાર અન્ય રાજ્ય સુધી પહોંચતા હોય તો ત્યાં જઈને પણ તપાસ અને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતા બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મંત્રી વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે જવાબદારી નક્કી કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. તપાસમાં જે કોઈની સંડોવણી કે બેદરકારી બહાર આવશે તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA