

ગાંધીનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : એસએઆઈ (SAI), એનસીઓઈ (NCoE), ગાંધીનગરના તાલીમાર્થી પેરા એથ્લેટ પવન કુમાર બહુમુખી પ્રતિભા ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરના મેડલ વિજેતા હોવા ઉપરાંત તેઓ એક મહત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતા પણ છે અને ટૂંક સમયમાં એક મૂવીનું નિર્દેશન કરશે, જે 2028માં પ્રતિષ્ઠિત સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થવાની યોજના છે.
પવનના ફિલ્મ પ્રસ્તાવને આ મહિનાની શરૂઆતમાં સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની સંચાલક સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ ફેસ્ટિવલ દિવ્યાંગતાના મુદ્દાઓ અંગેનો વિશ્વનો અગ્રણી ફિલ્મ ફેસ્ટિવલ છે અને સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીના પોલ કે. લોંગમોર ઇન્સ્ટિટ્યૂટ ઓન ડિસેબિલિટી અને સાન ફ્રાન્સિસ્કો ડિસેબિલિટી કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત કરવામાં આવે છે.
એસએઆઈ (SAI) મીડિયા સાથેની વાતચીતમાં પવને જણાવ્યું હતું કે, દિવ્યાંગતા ધરાવતી દરેક વ્યક્તિમાં ક્ષમતા, સક્ષમતા અને શેર કરવા યોગ્ય વાર્તા હોય છે. આ વિશ્વાસ સાથે, મેં સમાજને દિવ્યાંગ વ્યક્તિઓને આદર, ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે જોવાની પ્રેરણા આપે તેવા એક ફિલ્મ કન્સેપ્ટનો વિકાસ કર્યો, અને તેને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા મંજૂર કરવામાં આવ્યો. હું ફિલ્મ ડિરેક્ટર બનવાની અને પ્રેરણા આપતી અર્થપૂર્ણ ફિલ્મો બનાવવાની આકાંક્ષા રાખું છું.
હાલમાં પવનની સૌથી મોટી ચિંતા તેમના કામ માટે પ્રોડ્યુસર (નિર્માતા) મેળવવાની છે, અત્યારે હું મારી ફિલ્મ માટે નાણાકીય સહાય મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું, અને મેં ફિલ્મની સ્ક્રીનપ્લે પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
એલુરુ (આંધ્રપ્રદેશનો જિલ્લો)ના નિવાસી પવનની જીવનયાત્રા ખૂબ મોટા પડકારોથી ભરેલી રહી છે.
માત્ર ચાર વર્ષની નાની ઉંમરે, પવનને ગંભીર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેના કારણે તેમનો જમણો હાથ કાપવો પડ્યો હતો અને તેમની ખોપરી ખુલ્લી થઈ ગઈ હતી, જેને સરખી કરવા માટે પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડી હતી. તેમ છતાં આ અશક્ય લાગતા પડકારો તેમને રોકી શક્યા નહીં. કારણ કે આજે તેઓ રાષ્ટ્રીય પેરા રમતોમાં બહુવિધ મેડલ વિજેતા છે અને પેરા એથ્લેટ્સ માટે ભારતની અગ્રણી તાલીમ સુવિધા એસએઆઈ (SAI), એનસીઓઈ (NCoE), ગાંધીનગરમાં તાલીમાર્થી છે.
પવને તેમના શારીરિક શિક્ષણના શિક્ષકનો રમતગમત સાથે પરિચય કરાવવા બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે જ્યારે હું 6ઠ્ઠા ધોરણમાં હતો, ત્યારે મારા શારીરિક શિક્ષણના શિક્ષક મલ્લય્યા સર મારી એથ્લેટિક ક્ષમતાને ઓળખી અને મને રમતગમત અપનાવવાની સલાહ આપી, 6 મહિનાની પ્રેક્ટિસ પછી મેં પેરા એથ્લેટિક્સમાં સ્ટેટ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેં પછીના 4 વર્ષ સુધી દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી મીટ્સમાં વારંવાર મેડલ જીત્યા, મારા માટે ભાગ લેવા માટે અન્ય ભાગ્યે જ કોઈ સ્પર્ધાઓ હતી. 10મા (2024) પછી મેં ગંભીરતાથી પેરા સ્પોર્ટ્સ શરૂ કર્યું. મેં ઓગસ્ટ 2025માં વાઇઝાગ ખાતે પ્રથમ વખત સ્ટેટ મીટમાં ભાગ લીધો જ્યાં મેં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે પછી મેં નેશનલ્સમાં બે સિલ્વર મેડલ જીત્યા.
તેમણે ફિલ્મ નિર્માણમાં રસ કેવી રીતે જાગ્યો તે સમજાવ્યું, મેં ધોરણ 10માં ફિલ્મ મેકિંગનો વિકલ્પ પસંદ કર્યો હતો, તે પછી મને આ કળા પ્રત્યે આકર્ષણ થયું, મેં દાદાસાહેબ ફાળકે, સત્યજિત રે અને મલયાલમ સિનેમા જે મારું મનપસંદ સિનેમા છે તેના વિશે ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે.
ખૂબ જ અભ્યાસુ છોકરા પવને 16 વર્ષની વયે પરીક્ષામાં બેઠેલા 88,657 ઉમેદવારોમાંથી 367 નો પ્રભાવશાળી ઓલ ઇન્ડિયા રેન્ક મેળવીને કૉમન લૉ એડમિશન ટેસ્ટ (CLAT) 2026 પાસ કરી છે. તેઓ NLSIU, બેંગલુરુથી BA LLB અને સાથે-સાથે BA પબ્લિક પોલિસીનો અભ્યાસ કરી રહ્યા છે.
તેઓ સમજાવે છે, ક્લેટ (CLAT) પરીક્ષા પાસ કરવા માટે મેં લગભગ સાડા ત્રણ મહિના સુધી દરરોજ 15 કલાક નિયમિત અભ્યાસ કર્યો, હું સીએ રેડ્ડી કોલેજ, એલુરુમાંથી બીએ એલએલબી (BA LLB) અને બીએ પબ્લિક પોલિસી (BA Public Policy) નો પણ અભ્યાસ કરી રહ્યો છું. બંને અભ્યાસક્રમોમાં વિષય તરીકે ફિલ્મ નિર્માણનો સમાવેશ થાય છે.
તેમના દાદી સિવાય તેઓ તેમના મામા સાથે વિશેષ સંબંધ ધરાવે છે. જેમણે તેમના શૈક્ષણિક પ્રયાસોમાં તેમને ટેકો આપ્યો હતો:
મારા ધોરણ 10 પછી, મારા ઘણા સંબંધીઓને લાગતું હતું કે મારે અભ્યાસ છોડી દેવો જોઈએ અને ડિસેબિલિટી ફાઉન્ડેશનમાં જોડાડવું જોઈએ, તે મારા મામા હતા જેમણે મને ભણવા માટે પ્રોત્સાહિત કર્યો અને ટેકો આપ્યો હતો.
પવનને લાગે છે કે વધુ દિવ્યાંગ લોકોએ સરકારી નોકરીઓની તૈયારી કરવી જોઈએ, અને આકાંક્ષી એથ્લેટ્સને તેમની કળા આગળ ધપાવતી વખતે ધીરજ રાખવાની સલાહ આપે છે: આજકાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ કરતા દિવ્યાંગો માટે ઘણો સહયોગ મળે છે, તેમાં અનામત અને અપાર તકો છે, જ્યારે સક્ષમ ઉમેદવારોને તેમની પરીક્ષા પૂર્ણ કરવા માટે ત્રણ કલાક મળે છે, અમને સાડા ત્રણ કલાક મળે છે. ઉપરાંત વધુ દિવ્યાંગોએ રમતગમત અપનાવવી જોઈએ, જો તેઓ ધીરજપૂર્વક પોતાની કળા આગળ ધપાવશે તો તેઓ પરિણામો જોશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ