


- અંતરિક્ષ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત નવા કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે: અર્જુનભાઈ મોઢવાડિયા
- સૌરાષ્ટ્રમાં કોડિનાર પાસે નવું લોન્ચિંગ સ્ટેશન સ્થપાશે: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી
અમદાવાદ, 21 ઓગસ્ટ (હિ.સ.) : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નો શુભારંભ કરાવ્યો હતો. ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ના અનુસંધાને આયોજિત આ કાર્યક્રમ તા. 23 ઑગસ્ટ સુધી યોજાશે.
આ ફેસ્ટિવલ દરમિયાન સ્પેસ સાયન્સ એક્ઝિબિશન, પ્લેનેટેરિયમ શો, સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી, હેન્ડ્સઓન વર્કશોપ, વિજ્ઞાન વ્યાખ્યાન, સ્પેસ ક્વિઝ, વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન અને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન સહિતનાં આયોજન કરવામાં આવ્યાં છે.
આ પ્રસંગે વિજ્ઞાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત આજે સ્પેસ-ટેક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. અમદાવાદમાં 'ઇન-સ્પેસ' (In-Space) નું હેડક્વાર્ટર આવેલું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં કોડિનાર પાસે નવું લોન્ચિંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
રાજ્ય સરકારની અસરકારક સ્પેસ-ટેક અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીને કારણે આગામી 10 વર્ષમાં ગુજરાત એઆઈ (AI) અને સ્પેસ ટેકનોલોજીમાં દેશનું સર્વોચ્ચ રાજ્ય બનશે. આ નવી ઇકોસિસ્ટમ દ્વારા આપણા યુવાનો રોજગાર મેળવનારને બદલે રોજગાર આપનાર (જોબ ગિવર) બનશે.
વિજ્ઞાન મંત્રીએ કહ્યું કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારતની પ્રગતિ તેજ બની છે, જેમાં દેશના કુલ 12 પ્લાન્ટમાંથી 6 પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાઈ રહ્યા છે. જેમાંથી સાણંદ ખાતે ત્રણ પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે આગામી સમયમાં સુરત અને ધોલેરા ખાતે પણ નવા પ્લાન્ટ શરૂ કરાશે.
તેમણે ઉમેર્યું કે ચંદ્રયાન-3ના દક્ષિણ ધ્રુવ પર ઐતિહાસિક સૉફ્ટ લેન્ડિંગની સફળતાને વધાવવા માટે 23 ઑગસ્ટના રોજ 'નેશનલ સ્પેસ ડે' ની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેના પરિણામે આજે આ ક્ષેત્રે દેશમાં 300 થી વધુ સક્રીય સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.
આ અવસરે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીની ઉપસ્થિતિમાં GSEM અને NAMTEC વચ્ચે સ્પેસ ટેક, ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ માટેના MoU કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ 20 જેટલાં સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજથી ત્રણ વર્ષ પહેલાં તા. 23 ઑગસ્ટ, 2023ના રોજ ભારતના ‘ચંદ્રયાન-3’ મિશનના ‘વિક્રમ’ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળ સૉફ્ટ લેન્ડિંગ કરીને વિશ્વભરમાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનો ડંકો વગાડ્યો હતો. ‘પ્રજ્ઞાન’ રોવરે સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરીને ભારતને ચંદ્રના અપ્રાપ્ય દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ અને સૉફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનાવ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૨૩મી ઑગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ તરીકે જાહેર કર્યો છે.
આ વર્ષના ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ની મુખ્ય થીમ ‘Towards Viksit Bharat: Innovating, Collaborating and Aspiring to Global Space Leadership’ (વિકસિત ભારત તરફ: નવીનતા, સહયોગ અને વૈશ્વિક અંતરિક્ષ નેતૃત્વની દિશામાં આગેકૂચ) રાખવામાં આવી છે.
આ ફેસ્ટિવલમાં રાજ્યભરમાંથી અંદાજિત 20,000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા છે.
આ ઉપરાંત, ISROના Space Applications Centre (SAC) અને Gujarat State Electronics Mission (GSEM) તેમજ રાજ્ય અને દેશભરમાંથી અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત આશરે 50 જેટલી સંસ્થાઓ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, સ્પેસ સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને ઇનોવેટર્સના સંયુક્ત સહયોગથી વિજ્ઞાન પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઇસરો(SAC)ના વડા વી.એન. રાવે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના(PRL)ના વડા અનીલ ભારદ્વાજે ચંદ્રયાન-૩ મિશનના પોતાના પ્રત્યક્ષ અનુભવો વર્ણવ્યા હતા. જ્યારે GSEMનાં મિશન ડાયરેક્ટર નેહાકુમારીએ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી.
કાર્યક્રમના પ્રારંભે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચરણસિંહ ગોહિલે સૌનું સ્વાગત કરી, સાયન્સ સિટીના ભાવિ આયોજનો વિશે માહિતી આપી હતી.
આ ત્રિદિવસીય કાર્યક્રમની મુલાકાત લેવા અંતરિક્ષ અને વિજ્ઞાનપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત સૌને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ