
પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.) : રાધનપુરની હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ ખાતે 21 ઓગસ્ટે વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડૉ. સી.એમ. ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નવીન વિચારોને વ્યવસાયમાં રૂપાંતરિત કરવા તથા સફળ ઉદ્યોગસાહસિક બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં હસુભાઈ ચોક્સી, કપિલભાઈ અખાણી અને રાજુભાઈ વનજાનીએ ઉદ્યોગ ક્ષેત્રે સફળતા મેળવવાની રીતો, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, ઓછા ખર્ચે ઉત્પાદન અને નવીન વિચારોના અમલ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બિઝનેસ પ્લાન અને એડવર્ટાઇઝમેન્ટ પોસ્ટરનું પ્રદર્શન પણ યોજાયું હતું.
એડ પોસ્ટર સ્પર્ધામાં જોસના ઠાકોર પ્રથમ, દેવાંશી સિંઘલ દ્વિતીય અને ધ્રુવી પ્રજાપતિ તૃતીય રહ્યા હતા, જ્યારે બિઝનેસ પ્લાન સ્પર્ધામાં રિયા ઠક્કર પ્રથમ, હરેશ પ્રજાપતિ દ્વિતીય અને સમીર દરજી તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. કાર્યક્રમનું આયોજન ડૉ. બી.પી. બોસમિયા અને ડૉ. બી.એસ. રબારીએ કર્યું હતું. સંચાલન ડૉ. ભાવનાબેન બોસમિયાએ અને આભારવિધિ પ્રા. રાહુલભાઈ પરમારે કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ