
નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) અજય દેવગણની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'દ્રશ્યમ 3'ને આખરે સત્તાવાર શીર્ષક મળી ગયું છે. અભિનેતાએ 24 ઓગસ્ટે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરતા તેના નામ અને રિલીઝ તારીખની જાહેરાત કરી. ફિલ્મ હવે 'દ્રશ્યમ: ધ કન્ક્લુઝન'ના નામથી સિનેમાઘરોમાં દસ્તક દેશે. અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં ફરી એકવાર અજય દેવગણ વિજય સાલગાંવકરના પાત્રમાં જોવા મળશે.
અજયે સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા લખ્યું, દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ અલગ હોય છે... મારા માટે મારું કુટુંબ જ બધું છે. 'દ્રશ્યમ: ધ કન્ક્લુઝન' સિનેમાઘરોમાં 2 ઓક્ટોબરે. ફિલ્મના શીર્ષક પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે વિજય સાલગાંવકર અને પોલીસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી સંતાકૂકડીનો ખેલ હવે તેના નિર્ણાયક વળાંક પર પહોંચવાનો છે. આવા સંજોગોમાં દર્શકોને એ જાણવાની ઉત્સુકતા છે કે વાર્તાનો અંતિમ નિષ્કર્ષ શું હશે.
ફિલ્મના પોસ્ટરે પણ રહસ્ય જાળવી રાખ્યું છે. તેમાં અજય દેવગણનો આખો ચહેરો બતાવવાને બદલે તેમની માત્ર ઊંડી અને ગંભીર આંખને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વિજયના સતર્ક સ્વભાવ, તેના મગજમાં ચાલી રહેલી રણનીતિ અને છુપાયેલા રહસ્યો તરફ ઇશારો કરે છે. 'દ્રશ્યમ: ધ કન્ક્લુઝન'માં અજય સાથે તબ્બુ, શ્રિયા સરન, રજત કપૂર, જયદીપ અહલાવત અને પ્રકાશ રાજ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. 2 ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મથી 'દ્રશ્યમ' ફ્રેન્ચાઇઝીની વાર્તાને નિર્ણાયક અંત મળવાની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ