
નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'મહાકાલી'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પૂજા કોલ્લુરુના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ તેના અનોખા વિષય અને દમદાર સ્ટારકાસ્ટને લઈને પહેલેથી જ ચર્ચામાં છે. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે તેમાં દિગ્ગજ અભિનેતા અક્ષય ખન્ના પહેલીવાર દૈત્ય ગુરુ શુક્રાચાર્યના પાત્રમાં જોવા મળી રહ્યા છે. ટીઝરમાં તેમનો લુક એટલો અલગ અને પ્રભાવશાળી છે કે તેમને પહેલી નજરમાં ઓળખવા પણ મુશ્કેલ થઈ જાય છે.
ટીઝરની શરૂઆત શુક્રાચાર્યના પાત્રથી થાય છે, જે ભગવાન નારાયણને પોતાના શત્રુ માને છે અને દેવતાઓથી બદલો લેવા માટે રાક્ષસ રક્તબીજને તબાહી મચાવવાનો આદેશ આપે છે. અક્ષય ખન્નાનો રહસ્યમય અને ભયાનક અવતાર ટીઝરનું સૌથી મોટું આકર્ષણ છે. તેમના સંવાદ, હાવભાવ અને પાત્રની નકારાત્મક ઊર્જા ફિલ્મના વિશ્વને લઈને ઉત્સુકતા વધારે છે. એકવાર ફરી અક્ષય પોતાના દમદાર અભિનય અને લુકથી દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા છે.
'મહાકાલી'ને ભારતની પહેલી ફીમેલ સુપરહીરો ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જે મા કાલીની દિવ્ય શક્તિઓથી પ્રેરિત છે. ફિલ્મમાં અભિનેત્રી ભૂમિ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે રોહિત સરાફ પણ મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ રિવાજ રમેશ દુગ્ગલે કર્યું છે. 'મહાકાલી'ને તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં 8 જાન્યુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ