
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : આદિપુર વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી મોટરસાઇકલ, મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ અન્ય ચોરીનો મુદ્દામાલ મળી કુલ રૂ.71,930નો માલસામાન રિકવર કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવેચીનગર અંતરજાળ-શિણાઈ રોડ પર રવેચી ડેરી નજીક આવેલી જય વચ્છરાજ જનરલ સ્ટોર નામની કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. બનાવ અંગે તા.21 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 7:10 વાગ્યે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ ચોરીનો ભેદ ઝડપથી ઉકેલવા કાર્યવાહી શરૂ કરી હતી.
પૂર્વ કચ્છના પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે, આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાએ તપાસ ટીમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા અને સર્વેલન્સ સ્ટાફે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી. તપાસ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી. સાથે જ માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોરીના બનાવ સાથે સંકળાયેલા શખ્સો સુધી પોલીસ પહોંચી હતી.
પોલીસે તપાસના આધારે કર્મવીર ઉર્ફે જલંધર જાતે માહતો, ઉંમર 19 વર્ષ, વ્યવસાયે ગેરેજમાં કામ કરતો અને હાલમાં આદિપુરના GIDC ઝૂંપડામાં રહેતો, તેમજ જૈકીકુમાર સરવણ જાતે માહતો, ઉંમર 20 વર્ષ, વ્યવસાયે મજૂરી કરતો અને આદિપુરના ત્રણવાડી હનુમાન મંદિર નજીક રહેતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ મૂળ બિહારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપીઓ પાસેથી કાળા રંગની પ્લેઝર મોટરસાઇકલ, એક ઓપ્પો E31 મોડલનો મોબાઇલ ફોન, અલગ-અલગ દરની ભારતીય ચલણી નોટોમાં રૂ.11,130 રોકડા તેમજ અન્ય ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.71,930 આંકવામાં આવી છે.
આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે ઘરફોડ ચોરીના કેસની વધુ તપાસ શરૂ કરી છે. આદિપુર પોલીસની ઝડપી કાર્યવાહીથી ચોરીનો ભેદ ટૂંકા સમયમાં ઉકેલાતા વિસ્તારમાં પોલીસની કામગીરીની નોંધ લેવાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar