
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસે મહેશ્વરીનગર વિસ્તારમાં દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તથા ગંજીપાના મળી કુલ રૂ.15,050નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પોલીસના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં ચામુંડા મંદિર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીથી જુગાર રમતા શખ્સોમાં અફરાતફરી મચી હતી, જોકે પોલીસે ચારેયને ઝડપી લીધા હતા.
પોલીસે પકડેલા શખ્સોની ઓળખ પ્રફુલકુમાર મંગલભાઈ મહેશ્વરી, ઉંમર 33 વર્ષ, કૈલાશ રામજીભાઈ મહેશ્વરી, ઉંમર 30 વર્ષ, જયેશ સુશીલભાઈ બંસલ, ઉંમર 32 વર્ષ અને મયુર રામજીભાઈ માંગલિયા, ઉંમર 33 વર્ષ તરીકે કરી છે. તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ.15,050 રોકડા તેમજ ગંજીપાના કબજે કર્યા હતા. આ કાર્યવાહીથી ગાંધીધામ વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ આગળ ધપાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar