
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : અંજાર શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજાર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં ઘાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.98 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીની સૂચના મુજબ અંજાર વિસ્તારમાં જુગાર તથા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાએ સ્ટાફને વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપી હતી.
દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે વિજયનગર વિસ્તારમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. બાતમીમાં જણાવાયું હતું કે, જુની કોર્ટ પાછળ રહેતો જયંતીભાઈ મનજીભાઈ સોરઠીયા પોતાના રહેણાક મકાનની આગળની ખુલ્લી જગ્યામાં બહારથી લોકોને બોલાવી આર્થિક ફાયદા માટે ઘાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કર્યા બાદ સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસની કાર્યવાહી દરમિયાન સંજય કરશનભાઈ મહેશ્વરી, પરેશ ભીમજીભાઈ જોગી, બાબુ ભારમલભાઈ જોગી, જયંતીલાલ મનજીભાઈ સોરઠીયા, કલ્પેશ જયરામભાઈ સોરઠીયા, દર્શન ચન્દ્રકાન્તભાઈ જેઠવા, દેવશી રતનભાઈ મહેશ્વરી, વિજય હિરાલાલ સોરઠીયા, અનિલ લાલજીભાઈ સોરઠીયા અને ભરત ગોપાલભાઈ સોરઠીયા સહિત કુલ 10 શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા.
દરોડા દરમિયાન પોલીસે રૂ.82,500 રોકડા, 10 મોબાઇલ ફોન જેની અંદાજિત કિંમત રૂ.1,15,500 તથા ઘાણીપાસાની એક જોડી કબજે કરી હતી. આમ, પોલીસે કુલ રૂ.1,98,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar