8 મહિના બાદ પણ માધુ પાવડીયા ઘાટ પર શેડ અધૂરો, તડકામાં શ્રદ્ધાળુઓની તર્પણવિધિ
પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુરના માતૃગયા તીર્થ ખાતે સરસ્વતી નદી કિનારે આવેલા માધુ પાવડીયા ઘાટ પર શ્રદ્ધાળુઓની સુવિધા માટે શેડ બનાવવાની કામગીરી છેલ્લા આઠ મહિનાથી અધૂરી પડી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શેડ માટેના એન્ગલો લગાવવાની કામગીરી પૂર્ણ
8 મહિના બાદ પણ માધુ પાવડીયા ઘાટ પર શેડ અધૂરો, તડકામાં શ્રદ્ધાળુઓની તર્પણવિધિ


8 મહિના બાદ પણ માધુ પાવડીયા ઘાટ પર શેડ અધૂરો, તડકામાં શ્રદ્ધાળુઓની તર્પણવિધિ


પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુરના માતૃગયા તીર્થ ખાતે સરસ્વતી નદી કિનારે આવેલા માધુ પાવડીયા ઘાટ પર શ્રદ્ધાળુઓની સુવિધા માટે શેડ બનાવવાની કામગીરી છેલ્લા આઠ મહિનાથી અધૂરી પડી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શેડ માટેના એન્ગલો લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી શેડના પતરાં લગાવવામાં આવ્યા નથી.

મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સિદ્ધપુર ખાતે માતૃશ્રાદ્ધ અને તર્પણવિધિ માટે આવે છે. શેડની સુવિધા અધૂરી હોવાથી શ્રદ્ધાળુઓ તેમજ કર્મકાંડ બ્રાહ્મણોને હાલ ખુલ્લા આકાશ નીચે તડકામાં વિધિ કરવાની ફરજ પડી રહી છે.

ખાસ કરીને વૃદ્ધ શ્રદ્ધાળુઓ અને દૂરદૂરથી આવતા યાત્રાળુઓને ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શેડનું માળખું તૈયાર હોવા છતાં માત્ર પતરાં લગાવવાની કામગીરી બાકી રહેતા આ સુવિધા લાંબા સમયથી ઉપયોગમાં આવી શકી નથી.

સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં સવાલ ઉઠી રહ્યા છે કે જ્યારે શેડનું માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે, તો બાકી રહેલી કામગીરી આટલા લાંબા સમયથી કેમ અટકેલી છે? તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ કોન્ટ્રાક્ટર પાસેથી બાકી કામગીરી પૂર્ણ કરાવી શ્રદ્ધાળુઓને સંપૂર્ણ શેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande