


- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિ
- 7 વિદ્યાશાખાના 18 વિભાગોના કુલ 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ; 11 વિદ્યાર્થીઓને મંદિર ચંદ્રક અને ધ્વજ ચંદ્રકથી સન્માનિત કરાયા
અમદાવાદ, 28 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ગરિમાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
ઐતિહાસિક પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં 7 વિદ્યાશાખાના 18 વિભાગોના કુલ 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક સિદ્ધિની સાથોસાથ ગાંધીવાદી મૂલ્યો, સામાજિક સેવા, સંશોધન અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા દર્શાવનાર 11 વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 'કુલાધિપતિ મંદિર ચંદ્રક' અને 'ધ્વજ ચંદ્રક' તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિધાપીઠના વાર્ષિક અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
સમારોહના મુખ્ય અતિથિ પદેથી પ્રાસંગિક ઉદ્બોધન આપતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગૂજરાત વિદ્યાપીઠ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાપીઠની લાયબ્રેરીના ગહન અભ્યાસુ અને વાચક રહ્યા છે. જે લાયબ્રેરીમાં તેઓ કલાકો સુધી વાંચન કરતા હતા, તે વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા બદલ ગૌરવની લાગણીની અનુભૂતિ તેમણે વ્યક્ત કરી હતી. આ પરિસર એ દેશના સ્વતંત્રતા સંગ્રામની વ્યૂહરચનાઓ અને રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિનું સાચું મોડેલ ઘડનારી તપોભૂમિ છે એમ તેમણે ઉમેર્યું હતું.
પદવી ધારણ કરી સમાજ જીવનમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે, વિદ્યાપીઠના પ્રાંગણમાંથી બહાર નીકળતાં પહેલાં સ્વ માટે નહીં પરંતુ દેશ, સમાજ અને ગરીબોના કલ્યાણ માટેનું લક્ષ્ય નક્કી કરવું. જો દેશ માટે લક્ષ્ય નક્કી હશે તો નિષ્ફળતા કે કઠિન પરિસ્થિતિમાં પણ ક્યારેય નિરાશા તમને નહીં ઘેરે.
વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુરુકુળ પરંપરા, વેદ-ઉપનિષદના આદર્શો અને મહાત્મા ગાંધીના મૂલ્યો પર સઘન પ્રકાશ પાડ્યો હતો.
તેમણે દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આ ક્ષણ શિક્ષણ મેળવ્યા બાદ સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને સ્વીકારવાની અવિસ્મરણીય ક્ષણ છે. પ્રાચીન સમયથી ગુરુ પોતાના શિષ્યોને વિદ્યા પૂર્ણ કર્યા બાદ સમાજમાં મોકલતી વખતે જે ઉપદેશ આપતા હતા, તે જ પરંપરા આજે પણ વિદ્યાપીઠ જેવી સંસ્થામાં જીવંત છે.
આ પ્રસંગે રાજ્યપાલએ તૈત્તિરીય ઉપનિષદનો સંદર્ભ આપતાં વિદ્યાર્થીઓ સમક્ષ ત્રણ મુખ્ય ઉપદેશો અને જીવનકર્તવ્યો રજૂ કર્યા હતા. પ્રથમ ઉપદેશમાં તેમણે પારિવારિક ઉત્તરદાયિત્વ વિશે જણાવતાં કહ્યું કે વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ પોતાની પારિવારિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા રહેવું અને માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ તથા આચાર્ય દેવો ભવના મંત્રને જીવનમાં ઉતારવો. દેશમાં વધતા જતા વૃદ્ધાશ્રમો પર ચિંતા વ્યક્ત કરી તેમણે ભારપૂર્વક કહ્યું કે જો શિક્ષણ મેળવ્યા પછી પણ માતા-પિતા માટે ઘરમાં સ્થાન ન હોય તો તેવું શિક્ષણ નકામું છે.
આ પદવીદાન સમારોહના પ્રારંભે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે ઐતિહાસિક પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પરિસરમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને માત્ર સાક્ષરી શિક્ષણ જ નહીં, પરંતુ ગાંધીજીના હૈયું, હાથ અને મસ્તિષ્કના સર્વાંગી વિકાસના સિદ્ધાંત મુજબ સફાઈ, કાંતણ, ખાદી, સમૂહ જીવન અને સામુદાયિક સેવાની બુનિયાદી તાલીમ આપી જીવન કૌશલ્યથી સમૃદ્ધ કરવામાં આવે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ વિદ્યાપીઠ દેશના ૧૮ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓને ૨૨ ભાષાઓ શીખવાનો વિકલ્પ પૂરો પાડી રહી છે. આ ઉપરાંત AI કૌશલ્ય, ભારતીય જ્ઞાન પ્રણાલી, વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રો, યુવા ખેલકૂદ અને ગ્રામજીવન પદયાત્રા દ્વારા વિદ્યાર્થીઓમાં ગાંધીવાદી મૂલ્યો સાથે રાષ્ટ્રીયતાની ચેતના અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૂજરાત વિદ્યાપીઠના ૭૨મા પદવીદાનમાં પદવી મેળવનારાઓમાં 441 વિદ્યાર્થીનીઓ અને 459 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના 184 , અનુસ્નાતક કક્ષાના 400 , સ્નાતકોત્તર અભ્યાસક્રમના 232 , અનુસ્નાતક ડિપ્લોમાના 21 તથા એમ.ફિલ/પીએચ.ડી.ના 63 પદવીધારકોનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ