
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ
ગાંધીનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) પડોશી દેશ નેપાળમાં અચાનક સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ અને કટોકટીને પગલે ત્યાં ફસાયેલા ભારતીયો, ખાસ કરીને ગુજરાતના પ્રવાસીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલય સતત નેપાળ સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ફસાયેલા ગુજરાતીઓ અને દેશના અન્ય નાગરિકોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને માહિતીની આપ-લે કરી રહ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના વિભાગ દ્વારા જરૂરી તમામ વિગતો અને સહાય પહોંચાડવાની કામગીરી તેજ કરવામાં આવી છે.
અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, ગુજરાતના વિવિધ જિલ્લાઓના અંદાજે 12 જેટલા લોકો ગુમ હોવાના અહેવાલ છે. જેમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, વલસાડ, સુરત, ખેડા, અમરેલી, ગાંધીનગર અને વડોદરા જિલ્લાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પરિવારોએ તંત્રનો સંપર્ક કર્યો છે, તેમની વિગતોના આધારે વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પણ હેલ્પલાઈન નંબરો કાર્યરત કરવામાં આવ્યા છે, જેના પર કોઈ પણ નાગરિક મદદ માટે સંપર્ક કરી શકે છે.
હેલ્પલાઈન નંબર: 079- 23251900 9978405304, 1070
મંત્રીએ રાજ્યની જનતાને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, આ દુઃખની ઘડીમાં અને કટોકટીના સમયમાં રાજ્ય સરકાર દરેક ગુજરાતી પરિવારની સાથે ઊભી છે. સરકાર દ્વારા તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અસરગ્રસ્તોને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામગીરી ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ