
- 11 લાખ ભારતીય પીએમ ફંડમાં અને 40 લાખ નેપાળના પીએમ રાહત ફંડમાં.
અમદાવાદ, 28 ઓગસ્ટ (હિ.સ.) : બુધવારે સવારે નેપાળ-તિબેટ સરહદ નજીક ગ્લેશિયરનો લગભગ 1.2 કિલોમીટર જેટલો ભાગ તૂટીને નીચે પડ્યો. આ પછી બરફ, ખડકો અને કાટમાળની સાથે મોટી માત્રામાં પાણી ઝડપથી નીચેની તરફ વહેવા લાગ્યું. થોડી જ વારમાં તેની અસર ભોટેકોશી નદી પર દેખાઈ અને નેપાળના અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું.
નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભયાનક જળહોનારતથી કથાકાર મોરારી બાપુ વ્યથિત થયા છે.
આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે અને અસરગ્રસ્ત પરિવારો માટે રૂપિયા 51 લાખની સહાય અર્પણ કરવાની જાહેરાત કરી છે.
તિબેટ તરફ ગ્લેશિયર તૂટ્યા બાદ નેપાળની નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના હૃદયદ્રાવક દૃશ્યો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં ચિંતા અને શોકની લાગણી જોવા મળી રહી છે.
મોરારી બાપુએ આ કરુણ ઘટનાને લઈને નેપાળના નાગરિકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે હનુમંત પ્રસાદરૂપે રૂપિયા 51 લાખની સહાય અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સહાયમાંથી રૂપિયા 11 લાખ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે, જ્યારે રૂપિયા 40 લાખ નેપાળના પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. આ રકમની નાણાકીય સેવા મુંબઈ સ્થિત રામકથાના એક શ્રોતા દ્વારા કરવામાં આવશે.
મોરારી બાપુએ ભારત સહિત વિશ્વના અનેક દેશોના નાગરિકો માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.
જળહોનારતમાં પ્રાણ ગુમાવનારા તમામ લોકોના નિર્વાણ માટે તેમજ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે તેમણે પ્રાર્થના કરી છે. નેપાળની આ આપત્તિની ઘડીમાં સહાય અને સંવેદનાના સંદેશ સાથે મોરારી બાપુએ માનવતાની ભાવનાને પણ ઉજાગર કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ