
અમદાવાદ, 28 ઓગસ્ટ (હિ.સ.) : આજે 28 ઓગસ્ટે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ બહેનોએ પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી, કુમકુમ તિલક કર્યું અને મીઠાઈ ખવડાવી હતી.
અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ પરંપરાગત રીતે રક્ષાબંધન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી અને બલરામજીને તેમની બહેન સુભદ્રાજીએ રાખડી બાંધી હતી. દર વર્ષની પરંપરા મુજબ વિધિવત પૂજા-વિધિ સાથે ભગવાન જગન્નાથજી અને બલરામજીનું રક્ષાબંધન કરવામાં આવ્યું.
રક્ષાબંધન નિમિત્તે બંને ભાઈઓ તરફથી બહેન સુભદ્રાજીને પ્રતીકરૂપે સાડી, દાગીના સહિતની ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રસંગ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં અમદાવાદનું જગન્નાથ મંદિર એક એવું વિશિષ્ટ મંદિર છે, જ્યાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજી ત્રણેય ભાઈ-બહેન સ્વરૂપે બિરાજમાન છે. રક્ષાબંધનના પર્વે આ અનોખી ભાઈ-બહેનની પરંપરાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ