
અમદાવાદ, 28 ઓગસ્ટ (હિ.સ.) : ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ બહેનોએ પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી, કુમકુમ તિલક કર્યું અને મીઠાઈ ખવડાવી હતી. અમદાવાદની સાબરમતી અને સુરતની જેલમાં આજે 28 ઓગસ્ટે રક્ષાબંધનના પર્વે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.
સુરત સબજેલ જેલમાં બંધ પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચેલી એક મુસ્લિમ બહેન પોતાના આંસુ રોકી શકી ન હતી. ભાઈના કાંડે પવિત્ર રક્ષા સૂત્ર બાંધ્યા બાદ બહેન એટલી હદે ભાવવિભોર બની ગઈ હતી કે તે ભાઈને વળગી પડી હતી અને તેનો હાથ છોડવા જ તૈયાર ન હતી. ભાઈ-બહેન વચ્ચેના આ અતૂટ સ્નેહને જોઈને ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.
વડોદરા મધ્યસ્થ જેલમાં 1,700 જેટલા કાચા-પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે બહેનોએ રાખડી બાંધી તો બાદમાં ભાઈઓએ બહેનોને ગિફ્ટમાં રોપા આપ્યા હતા. જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને રાખડી બાંધ્યા બાદ તેમના બહેન પુષ્પા વસાવાએ જણાવ્યું હતું કે, અમને એ વાતનો ખૂબ જ અફસોસ થાય છે કે અમારા ભાઈ જેલમાં છે. અમે ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જેલમાંથી છૂટીને બહાર આવી જાય. કાશી વસાવાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ રક્ષાબંધન પર તેઓ જેલમાં જ હતા ત્યારે અમને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મારી જેમ બીજી પણ અનેક બહેનોની આંખોમાં આજે આંસુ છે.
સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ ધરાવે છે, પરંતુ આ સબજેલમાં જોવા મળેલા દ્રશ્યોએ સાબિત કરી દીધું કે ભાઈ-બહેનનો પ્રેમ કોઈ ધર્મ, જાતિ કે સંપ્રદાયના સીમાડામાં બંધાયેલો નથી. મુસ્લિમ સમાજની આ બહેને જેલમાં જઈને ભાઈના કાંડે રક્ષા બાંધીને હિન્દુ-મુસ્લિમ એકતા અને અખંડ સ્નેહનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભાઈ પ્રત્યેનો તેનો આ નિઃસ્વાર્થ પ્રેમ જેલની ચાર દીવાલો વચ્ચે ગમગીન છતાં પવિત્ર વાતાવરણ સર્જી ગયો હતો.
અનેક બહેનો જેલમાં રાખડી બાંધવા પહોંચી
રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખીને જેલ પ્રશાસન દ્વારા બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અવસરે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનો જેલ પહોંચી હતી. ચારેય તરફ બહેનો પોતાના ભાઈઓના કપાળ પર તિલક કરી, મીઠાઈ ખવડાવી રાખડી બાંધતી જોવા મળી હતી. જેલના સળિયા પાછળ રહેલા ભાઈઓને જોઈને અનેક બહેનો રડી પડી હતી.
વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર એમ એન રાઠવા એ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સમાજમાં બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે ભાઈ તરફથી બહેનને કોઈને કોઈ ભેટ-સોગાદ આપવામાં આવતી હોય છે. જેલ પ્રશાસન દ્વારા આ વખતે એક સુંદર અને અનોખી પહેલ કરતા તુલસીના છોડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બહેનો જેલમાં આવીને પોતાના ભાઈઓને રાખડી બાંધશે, ત્યારે ભાઈઓ તરફથી ભેટ સોગાદ સ્વરૂપે બહેનોને તુલસીનો છોડ આપવામાં આવ્યો છે. આ માધ્યમથી બહેનોને પણ નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ તુલસીના છોડને ઘરે લઈ જઈને તેનું યોગ્ય વાવેતર અને જતન કરે, જેથી સમાજમાં પર્યાવરણ જાળવણીનો એક સુંદર અને અનોખો સંદેશ પહોંચાડી શકાય.
અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં વહેલી સવારથી જ લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા. હત્યા, ચોરી, લૂંટ અને દુષ્કર્મના ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓને રાખડી બાંધવા બહેનો જેલમાં પહોંચી હતી. બહેનોએ ભાઈઓના હાથ પર રાખડી બાંધી ત્યારે અનેક ભાઈઓની આંખમાં પણ આંસુ આવી ગયા હતા, તો સામે ભાઈને જોઈ બહેનો પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
જેલ તંત્ર દ્વારા આજે 28 ઓગસ્ટે રક્ષાબંધનને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણીની શરૂઆત થઈ હતી જે બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે.
અગાઉ જેમણે નોંધણી કરાવી હોય તે બહેનોને જ આજે જેલમાં રાખડી બાંધવા પ્રવેશ આપવામાં આવતો હતો. બહેનો સરળતાથી રાખડી બાંધી શકે તે માટે અલગ અલગ ટેબલ ગોઠવીને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંને જેલના મળી કુલ 3 હજારથી વધુ કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી.
ગુનાની દુનિયા છોડી નવું જીવન શરૂ કરવાની પ્રતિજ્ઞા
જ્યારે અમદાવાદ શહેર પોલીસની 'She Team' દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને રાખડી બાંધીને સ્નેહ અને સુરક્ષાના આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ