
સુરત, 31 ઓગસ્ટ (હિ.સ.)-ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રભાવનાના પ્રતીક સમાન શંખનાદને દેશ-વિદેશના દરેક ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સુરત સ્થિત યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2026માં ‘વિશ્વ શંખનાદ અભિયાન – હર ઘર શંખ, ઘર ઘર શંખનાદ’ને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા દ્વારા વર્ષ 2019થી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
અભિયાનનો હેતુ માત્ર શંખ વગાડવાની પરંપરાને જાળવી રાખવાનો નથી, પરંતુ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, રાષ્ટ્રભાવના અને પરંપરાગત જીવનશૈલી સાથે જોડવાનો પણ છે. સંસ્થા મુજબ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 15 લાખથી વધુ લોકોને આ અભિયાન સાથે જોડવામાં આવ્યા છે.
અભિયાન અંતર્ગત વર્ષ 2022-23 દરમિયાન યુએઈના દુબઈ ખાતે વિશાળ શંખનાદનું આયોજન કરીને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. ઉપરાંત, બનાસકાંઠાના ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તાર નડાબેટ ખાતે ‘એક સાદ શંખનાદ’ના સંદેશ સાથે મહાશંખનાદ યોજી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
ધાર્મિક સ્થળોએ પણ વિવિધ વિશિષ્ટ કાર્યક્રમો યોજાયા છે. કાગવડ ખાતે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 20 મિનિટમાં 44 વખત શંખનાદ કરવામાં આવ્યો હતો, જ્યારે કુબેર ભંડારી ખાતે એક આરતી દરમિયાન સતત ૫૫ વખત શંખનાદની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા બાળકો અને યુવાનોને શંખની ઓળખ તથા શંખનાદનું નિઃશુલ્ક પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. સંસ્થા શંખનાદને માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત ન રાખી પ્રાતઃકાળ, સંધ્યાકાળ તથા સામાજિક-રાષ્ટ્રીય પ્રસંગો સાથે જોડવા માટે જનજાગૃતિ કરી રહી છે.
વર્ષ 2026માં દેશ-વિદેશના મંદિરો, શાળાઓ અને સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સુધી અભિયાનને પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રકાશકુમાર વેકરીયાએ નાગરિકોને શંખનાદની પરંપરાને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું છે. નોંધનીય છે કે જીવનરક્ષા અને સામાજિક સેવામાં યોગદાન બદલ તેમને વર્ષ 2020માં ‘જીવન રક્ષા પદક’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે