
સોમનાથ,1 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સ્વાભિમાન પર્વ દરમિયાન શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશભરમાંથી પધારેલા હજારો ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન અને વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
દર્શન અને ભક્તોની ભીડ:
આજના આ વિશેષ અવસરે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, સાંજે ૭:૦૦ વાગ્યા સુધીમાં જ ૭૧,૦૦૦ થી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.
પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનોની વિગત:
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ભક્તો દ્વારા અનેકવિધ ધાર્મિક પૂજાઓ નોંધાવવામાં આવી હતી, જેના આંકડા નીચે મુજબ છે:
* ધ્વજાપૂજા: ૭૫
* સોમેશ્વર મહાપૂજા: ૬૫
* રૂદ્રાભિષેક: ૫૭૨
* પાઠાત્મક લઘુરુદ્ર: ૧૪
* મહામૃત્યુંજય યજ્ઞ: મંદિરમાં આયોજિત મહામૃત્યુંજય યજ્ઞમાં ભક્તો દ્વારા ૪૪,૦૦૦ થી વધુ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી.
વિશેષ શૃંગાર અને દિવ્ય નજારો:
સોમનાથ સ્વાભિમાન પર્વને અનુલક્ષીને સોમનાથ મહાદેવને 'વિશેષ સોમનાથ સુવર્ણ અને અમૃત વર્ષા શૃંગાર' કરવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
સંધ્યાકાળે આરતી સમયે એક અદભુત અને અલૌકિક નજારો જોવા મળ્યો હતો. ગર્ભગૃહની તમામ ઇલેક્ટ્રિક લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને સોમનાથ મહાદેવને માત્ર દીવાના પવિત્ર પ્રકાશથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. દીવડાઓના ઝળહળતા પ્રકાશમાં મહાદેવનું સ્વરૂપ અત્યંત દિવ્ય લાગી રહ્યું હતું, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ