નેપાળમાં પૂરથી 781 લોકોના મોત, 9,435 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા: વડાપ્રધાન શાહ
કાઠમંડુ, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). નેપાળમાં પૂરને કારણે 781 લોકોના મોત થયા છે. 9,435 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વડાપ્રધાન બાલેન્દ્ર શાહે, દેશમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી ભયાનક કુદરતી આફત અંગે રાહત, બચાવ અને પુનર્વસન કાર્યોની વ
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ


કાઠમંડુ, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). નેપાળમાં પૂરને કારણે 781 લોકોના મોત થયા છે. 9,435 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વડાપ્રધાન બાલેન્દ્ર શાહે, દેશમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી ભયાનક કુદરતી આફત અંગે રાહત, બચાવ અને પુનર્વસન કાર્યોની વિગતવાર માહિતી શેર કરી છે. વડાપ્રધાને કહ્યું કે, રસુવાની ભોટેકોશી નદીમાં આવેલા વિનાશકારી પૂરને કારણે થયેલા જાન-માલ અને ભૌતિક નુકસાનની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવી હજુ પણ પડકારજનક છે. પ્રતિકૂળ હવામાન, કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ અને સતત રહેલા જોખમ છતાં, સરકાર નાગરિકોનો જીવ બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

વડાપ્રધાન શાહના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 9,435 લોકોને હવાઈ અને સડક માર્ગે સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. રાહત અને બચાવ માટે કુલ 394 ઉડાનો સંચાલિત કરવામાં આવી છે, જેમાં રવિવારે 72 ઉડાનો શામેલ છે. પ્રભાવિત વિસ્તારોમાં નેપાળી સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના 20,618 સુરક્ષાકર્મીઓ તૈનાત છે.

જળવિદ્યુત પરિયોજના વિસ્તારોમાંથી નેપાળી સેનાના હેલિકોપ્ટર દ્વારા 279 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય નિષ્ણાત ટુકડીની મદદથી રસુવામાં અપર ત્રિશૂલી-1 પરિયોજનાની આસપાસ બે દિવસમાં 250 લોકોનો બચાવ કરવામાં આવ્યો. ભારત ઉપરાંત ચીની અને કોરિયન નિષ્ણાત દળો નેપાળી સેના સાથે મળીને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. ભારતીય ટીમ સુરંગની અંદર લગભગ ત્રણ કિલોમીટર સુધી શોધખોળ કરી રહી છે.

નુવાકોટની અપર ત્રિશૂલી-3 ‘એ’ પરિયોજનાની સુરંગમાં પણ બચાવ અભિયાન ચાલુ છે. નેપાળી સેનાના એન્જિનિયરો બ્લાસ્ટિંગ દ્વારા રસ્તો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેના, સશસ્ત્ર પોલીસના પ્રશિક્ષિત શ્વાન અને નેપાળ પોલીસના નિષ્ણાતો સહિત 90 લોકોની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે તૈનાત છે. સુરંગમાં બે બાય ત્રણ ફીટનો છિદ્ર બનાવવામાં આવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. ત્યારબાદ મોટા ઉપકરણો, બ્લાસ્ટિંગ અને સુરંગને પહોળી કરવાનું કામ એકસાથે ચાલુ છે.

અપર ત્રિશૂલી-3 ‘બી’, ચિલિમે, લાંગટાંગ ખોલા અને મૈલુંગ ખોલા જળવિદ્યુત પરિયોજનાઓમાં પણ બચાવ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનોમાં ભારતના નિષ્ણાત દળો નેપાળી સેના સાથે સંકલન કરીને કામ કરી રહ્યા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 267 ઘાયલોને બહાર કાઢીને સ્થાનિક તથા કાઠમંડુની વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. આમાંથી 156 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે. પ્રભાવિત વિસ્તારોમાં ચિકિત્સા અને મનોપરામર્શ માટે કાઠમંડુથી ડોકટરોની ટીમો મોકલવામાં આવી છે.

વડાપ્રધાન શાહે જણાવ્યું કે વડાપ્રધાન દૈવી પ્રકોપ કોષ અને વડાપ્રધાન રાહત કોષ દ્વારા આર્થિક સહાય એકત્રિત કરવામાં આવી રહી છે. રવિવાર બપોર સુધીમાં નવ વાણિજ્યિક બેંકોના ખાતાઓમાં 5 અબજ 24 કરોડ 79 લાખ 44 હજાર 585 નેપાળી રૂપિયા જમા થઈ ચૂક્યા હતા. આ ઉપરાંત હિમાલયન અને લક્ષ્મી બેંકમાં 21 લાખ 232 અમેરિકી ડોલર પણ જમા થયા છે.

રસુવા અને નુવાકોટમાં 26 અસ્થાયી આશ્રય અને રાહત વિતરણ કેન્દ્રો સંચાલિત કરવામાં આવી રહ્યા છે. રવિવારે જ આ કેન્દ્રોમાંથી 3,454 લોકોને અસ્થાયી આશ્રય અને રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી. ભારત અને ચીન સહિત વિવિધ દેશોમાંથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભારત તરફથી અત્યાર સુધીમાં ચાર તબક્કામાં 68.5 ટન માનવીય સહાયતા અને જરૂરી દવાઓ મળી ચૂકી છે. ભારતે 230 ફીટ લાંબો સિંગલ-લેન મોડ્યુલર સ્ટીલ બ્રિજ પણ મોકલ્યો છે અને વધુ સાત બેલી બ્રિજ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અમારી તરફથી 30 બેલી બ્રિજની માંગ કરવામાં આવી છે.

એશિયન ડેવલપમેન્ટ બેંકે 50 લાખ ડોલરના બજેટરી અનુદાન અને 1.5 લાખ ડોલરની તકનીકી સહાયતાનું આશ્વાસન આપ્યું છે. વર્લ્ડ બેંક તરફથી 16.7 કરોડ ડોલરની રાહત લોન, અમેરિકા તરફથી 5 લાખ ડોલર અને ઓસ્ટ્રેલિયા તરફથી 10 લાખ ડોલરની સહાયતાનું આશ્વાસન મળ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડ તરફથી સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી ખર્ચ કરવા માટે 10 લાખ સ્વિસ ફ્રેંકની સહાયતા પણ પ્રાપ્ત થઈ છે.

પૂરને કારણે નેપાળ ટેલિકોમના 38 અને એનસેલના 27 ટાવર પ્રભાવિત થયા હતા. અત્યાર સુધીમાં નેપાળ ટેલિકોમના 106 અને એનસેલના 75 ટાવર ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં 20 સેટેલાઇટ ફોન પણ મોકલવામાં આવ્યા છે.

વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, પૂરમાં અત્યાર સુધીમાં 781 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. નેપાળી સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળની મદદથી મૃતદેહોનું વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે. જે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે, તેમને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. અજ્ઞાત મૃતદેહોના કિસ્સામાં ડીએનએ સહિત ઓળખમાં મદદ કરતા પુરાવાઓને સુરક્ષિત રાખીને કાનૂની પ્રક્રિયા હેઠળ તેમનું વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન શાહે કહ્યું કે, સરકાર પ્રભાવિત દરેક નાગરિકના વાલી તરીકે ઊભી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, એકતા અને સામૂહિક પ્રયાસથી નેપાળ આ સંકટમાંથી બહાર આવશે તથા પ્રભાવિત લોકો સુધી રાહત પહોંચાડવાની સાથે પુનર્નિર્માણ અને પુનર્વસનનું કામ અંતિમ પરિણામ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande