
જામનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગર શહેરમાં નાગરિકોને આધુનિક, સુવિધાયુક્ત, સલામત અને પર્યાવરણને અનુકૂળ સાર્વજનિક પરિવહન સેવા પૂરી પાડવાના હેતુથી ભારત સરકારની 'પીએમ ઈ-બસ સેવા' યોજના અંતર્ગત વધુ 25 ઈલેક્ટ્રિક બસોના સંચાલનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
સાંસદ પૂનમ માડમના હસ્તે તથા ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકા વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં આ સેવા ખુલ્લી મૂકવામાં આવી હતી. અગાઉ કાર્યરત 25 ઈ-બસો સાથે હવે શહેરમાં કુલ 50 ઈ-બસો દ્વારા જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બની છે.
આ વિસ્તરણથી જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારો, રેલવે સ્ટેશનો, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, રહેણાંક વિસ્તારો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોને સુવ્યવસ્થિત રીતે જોડતા 11 નિર્ધારિત રૂટ પર વાહનવ્યવહાર સરળ બનશે.
ઈ-બસના નિર્ધારિત રૂટમાં સાત રસ્તા સર્કલથી વિભાપર, રામેશ્વરનગરથી મસીતીયા, સાત રસ્તાથી ચંગા, પટેલ સમાજથી અલિયા, માધાપરથી ટાઉન હોલ, પોલિટેકનિક કોલેજથી નારણપર, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, સાત રસ્તાથી સર્ક્યુલર રૂટ, દરબારગઢથી દરેડ, આઈ.એન.એસ. વાલસુરાથી દરબારગઢ, દરબારગઢથી સમર્પણ હોસ્ટેલ, સાત રસ્તાથી વિજરખી, એપલ ગેટ-1થી મોટી ભલસાણ અને ટાઉન હોલથી નાઘેડી ગામ સહિતના મહત્વના માર્ગોનો સમાવેશ થાય છે.
આ ઈલેક્ટ્રિક બસોના સંચાલનથી પરંપરાગત ઈંધણ આધારિત વાહનોના બદલે પ્રદૂષણમુક્ત પરિવહનને પ્રોત્સાહન મળશે, જેનાથી કાર્બન ઉત્સર્જન, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે આ સેવા દૈનિક અવરજવરનું એક વિશ્વાસપાત્ર અને સુલભ માધ્યમ બનશે.
ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટતા શહેરમાં ટ્રાફિકનું ભારણ હળવું થશે અને ઈંધણની બચત થશે. જામનગર મહાનગરપાલિકાએ નાગરિકોને આ આધુનિક ઈ-બસ સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરી સ્વચ્છ, હરિત અને ટકાઉ જામનગરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt