
જામનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ગણપતિજીનો મંડપ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે થયેલી બોલાચાલીની અદાવતમાં ચારથી પાંચ શખ્સોએ એક યુવાન પર લોખંડના પાઈપ વડે ક્રૂર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનના હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઇજાઓ થતાં તેને ઓપરેશન કરાવવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યારે છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ ઇજા પહોંચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાકાપાર્ક સ્કાયલાઇન એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા સાગર દિલીપભાઈ ચૌહાણ (28) ગત 13 તારીખના રાત્રિના સુમારે સુભાષ બ્રિઝ પાસે આવેલી બજરંગ પાનની દુકાન નજીક ગણપતિ મંડપ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈને ગાળાગાળી કરવા લાગ્યા હતા.
મામલો ઉગ્ર બનતા આરોપી રઈશે પોતાની પાસે રહેલા લોખંડના પાઈપથી સાગરભાઈના જમણા હાથ પર ઘા ઝીંકી દીધો હતો, જેથી જીવ બચાવવા માટે સાગરભાઈ દોડીને બજરંગ પાનની દુકાનની અંદર જતા રહ્યા હોવા છતાં, હુમલાખોરોએ દુકાનમાં ઘૂસીને તેમની સાથે ક્રૂરતા દાખવી હતી અને ફરીથી જમણા હાથ તેમજ પગમાં લોખંડના પાઈપના બેફામ ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ અચાનક થયેલા હુમલામાં સાગરભાઈને ગંભીર ફ્રેક્ચર થવાથી તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી અને આ સમગ્ર મારામારી દરમિયાન સાગરભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્રને પણ એક આરોપીએ લોખંડના પાઈપથી ડાબા હાથ પર પ્રહાર કરીને ઈજાગ્રસ્ત કર્યો હતો.
ઘટનાને અંજામ આપીને તમામ શખ્સો ધમકીઓ આપતા નાસી છૂટ્યા હતા, જે બાબતે ઈજાગ્રસ્ત સાગરભાઈ ચૌહાણ દ્વારા જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સત્તાવાર રીતે ફોજદારી ગુનો નોંધાવવામાં આવ્યો છે અને પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt