
કચ્છ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ નજીક આવેલા મીરઝાપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતાએ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા એકાદથી બે મહિનાથી ગામમાં દિવસ દરમિયાન વારંવાર વીજળી બંધ થઈ જાય છે. અનેક દિવસોમાં ચારથી પાંચ વખત સુધી પાવર સપ્લાય ખોરવાતો હોવાના કારણે રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વીજળી ક્યારે જશે અને ક્યારે આવશે તેની કોઈ નિશ્ચિતતા ન રહેતા સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે.
વીજ પુરવઠાની વારંવારની અવરજવરથી મીરઝાપરના નાના વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. દુકાનોમાં વીજળી આધારિત સાધનો બંધ પડી જતાં વેપાર-ધંધાની કામગીરી અટકી જાય છે. ખાસ કરીને મેડિકલ સ્ટોર્સ માટે સતત વીજ પુરવઠો જરૂરી હોવાથી ફ્રિજ બંધ રહેતા કેટલીક દવાઓના સંગ્રહને લઈને પણ ચિંતા ઊભી થઈ રહી છે.
ગામમાં સિનિયર સિટીઝન, પથારીવશ વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ તેમજ નાના બાળકોને પણ વારંવાર વીજ કાપના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ વીજળી વારંવાર બંધ-ચાલુ થવાથી ટીવી, ફ્રિજ, કોમ્પ્યુટર, પંખા સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાની શક્યતા પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. જો કોઈ ઉપકરણમાં નુકસાન થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ હવે ચર્ચાઈ રહ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે જો વીજ લાઇનમાં વારંવાર ફોલ્ટ સર્જાતો હોય તો PGVCL દ્વારા તેનું કાયમી નિરાકરણ લાવવાની જરૂર છે. માત્ર કામચલાઉ રિપેરિંગથી સમસ્યા દૂર થતી ન હોવાથી લાંબા ગાળાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી રોજબરોજ વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો હોવા છતાં સમસ્યાનું કાયમી સમાધાન કેમ થતું નથી તે અંગે પણ ગ્રામજનોમાં સવાલો છે.
આ સમગ્ર મામલે મીરઝાપર ગ્રામ પંચાયત અને સંબંધિત વીજ તંત્ર દ્વારા સમસ્યાની ગંભીરતા સમજીને તાત્કાલિક તપાસ કરી વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ગ્રામજનો હવે આશા રાખી રહ્યા છે કે વારંવાર થતી વીજળીની આંખમિચોલીમાંથી તેમને કાયમી રાહત મળશે અને જવાબદાર તંત્ર અસરકારક કામગીરી કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar