
- લોખંડની એંગલ નમી પડતા 4-5 લોકોને સામાન્ય ઈજા થઈ
સુરેન્દ્રનગર,16 સપ્ટેમ્બર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડતાં દોડધામ મચી હતી.મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં મેળો માણવા આવેલા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
તરણેતર મેળામાં પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન નડ્યું હતૂં. બીજા દિવસે એક લાખથી વધુ માનવ મહેરામણ ઉમટ્યું હતું. ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ચઢાવવામાં આવી હતી.મેળામાં બીજા દિવસે વાતાવરણને અનુલક્ષીને સાતોડી, કબડ્ડી, વોલીબોલ તેમજ જેવી રમતોનું આયોજન કરાયું હતું.
મોતના કૂવાના સ્ટેજ સાથે જોડાયેલી લોખંડની એંગલ પણ નમી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા ચારથી પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
સ્ટેજનો ભાગ તૂટી પડ્યા બાદ મેળો માણવા આવેલા લોકોએ તાત્કાલિક લોખંડની એંગલને ટેકો આપી પકડી રાખી હતી. જેના કારણે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાથી થોડા સમય માટે મેળાના સ્થળે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
તરણેતરની પરંપરા મુજબ, વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીએ પૂજાવિધિ કરાવી. ત્યારબાદ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ