
રાજકોટ,16 સપ્ટેમ્બર (હિ.સ.) હાલમાં દિગંબર જૈનોના પર્યુષણ પર્વ અને ગણેશ મહોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટમાં મહોત્સવ દરમિયાન જ પાઇપલાઇન મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતા આજથી શહેરભરમાં તબક્કાવાર જુદા જુદા વોર્ડમાં સતત છ દિવસ સુધી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. ત્યારે પીવાનું પાણી નહીં મળવાના કારણે ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચ અંતર્ગત આવતા શિવમ સોસાયટી ખાતે રહેતી મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી તેમના વિસ્તારમાં પૂરા ફોર્સથી તેમજ નિયમિત રીતે 20 મિનિટ સુધી પાણી વિતરણ કરવામાં નથી આવી રહ્યું. જેના કારણે તેમના દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. પોતાની સોસાયટીમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાના કારણે કેટલાક વ્યક્તિઓ પૈસા દઈને પાણી ખરીદવા મજબૂર બન્યા છે. તો કેટલાક જરૂરિયાતમંદ વ્યક્તિ અન્ય સોસાયટીમાં જઈને પાણી ભરીને ઉપયોગ કરી રહ્યા છે.
સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં નિયમિત રીતે તેમજ પૂરતા ફોર્સથી 20 મિનિટ સુધી પાણીનું વિતરણ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આગામી 18 સપ્ટેમ્બરથી લઈ 20 સપ્ટેમ્બર સુધી શટડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ રાજકોટ મહાનગરપાલિકાના બેડી તેમજ ન્યારા પમ્પિંગ સ્ટેશન તેમજ કોઠારીયા ખાતે નર્મદાના પાણીનો જથ્થો ઉપલબ્ધ થઈ શકશે નહીં.
તેમજ આજી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન પર પાણી ટ્રાન્સફર કરવામાં આવતી પાઇપલાઇન લીકેજ થઈ હોવાના કારણે રિપેરિંગના કામના કારણે પાણીનો અપૂરતો જથ્થો પ્રાપ્ત થયો છે. જેના કારણે આજથી લઈ આગામી સોમવાર સુધી જુદા જુદા વોર્ડમાં આંશિક રીતે પાણી કાપ મૂકવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ