

- મોટી દેવતી ગામ રોડ પાસે શ્વાનનું મારણ અને ફૂટ પ્રિન્ટ દેખાયા
- વન વિભાગે પાંજરા ગોઠવ્યા.
અમદાવાદ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. સાણંદ તાલુકાના મોટી દેવતી બાયપાસ રોડ અને ઈટવાડા ગામ નજીક દીપડાની અવરજવર હોવાની આશંકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમો પણ સક્રિય થઈ છે અને સંભવિત દીપડાની હાજરી અંગે તપાસ શરૂ કરી છે.
સાણંદ તાલુકામાં એક મહિનામાં બીજી વખત દીપડાની દહેશત છે. મોટી દેવતી ગામ રોડ પાસે દીપડાના પંજા દેખાયા હોવાની સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જંગલ જેવા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા નજીક એક શ્વાનનું મારણ પણ કરવામાં આવ્યું છે. જે બાદ વન વિભાગે સર્ચ હાથ ધર્યું અને પાંજરા પણ ગોઠવ્યા છે. જુલાઈ અને ઓગસ્ટ, 2026માં પણ અમદાવાદ શહેર અને સાણંદ તાલુકાની આસપાસ દીપડો ફરી રહ્યો હતો.
સાણંદ રેન્જના વન વિભાગના આરએફઓ હરેશ દેસાઈએ જણાવ્યું કે, ગઈકાલે 15 સપ્ટેમ્બરના મોટીદેવતી ગામે દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી. જેના આધારે ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી અને જે પંજાના ફૂટ પ્રિન્ટ મળી આવ્યા છે તે દીપડાના હોવાની પૂરી શક્યતા છે.
હરેશ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, અમે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે.
અગાઉ પણ મોટી દેવતી ગામ પાસે જ દીપડો દેખાયો હોવાના ફૂટ પ્રિન્ટ મળી આવ્યા હતા અને તેની પાછળના ભાગે જ ફરી એકવાર આ ફૂટ પ્રિન્ટ મળી આવ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાની સંભવિત અવરજવર ધરાવતા વિસ્તારમાં પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. ટીમો દ્વારા વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને પગમાર્ક સહિતના પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ