
- સરકારના આ સુંદર આયોજનથી યુવા ખેલાડીઓને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહન મળે છે: ખેલાડી નીલ પનારા
સુરેન્દ્રનગર,16 સપ્ટેમ્બર (હિ.સ.) તરણેતર ખાતે આયોજિત ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ રહેલા ખેલાડી પનારા નીલે આયોજન અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, તરણેતરના ઐતિહાસિક આંગણે ખેલાડીઓ માટે રમત-ગમતનો સુંદર માહોલ તૈયાર થયો છે.
આ ભવ્ય સ્પર્ધામાં ખો-ખો, એથ્લેટિક્સ અને વોલીબોલ જેવી વિવિધ રમતોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં યુવાનો પોતાની રમતનું કૌશલ્ય દાખવી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રના રમતવીરો માટે કરવામાં આવતા આવા વિશેષ આયોજનોથી યુવા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા ખીલવવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ રહી છે. ખેલાડીઓને રમતમાં ભાગ લેવા પ્રેરણા મળે તે હેતુથી આયોજકો તરફથી કેપ તેમજ ટી-શર્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના રમત-ગમત મહોત્સવથી ગ્રામીણ કક્ષાએથી નવી રમત ગમત ક્ષમતાઓ બહાર આવી રહી છે. વિશાળ જનમેદની વચ્ચે રમતવીરો સંપૂર્ણ ઉત્સાહ અને રમતદિલી ભાવના સાથે પોતપોતાની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. સમગ્ર સ્પર્ધાનું આયોજન અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ