
ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન તથા મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા દ્વારા મિલેટ અને ટેક હોમ રાશનના પૌષ્ટિક ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પાલીતાણા વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળ પોષણ અને આરોગ્ય માટે સંતુલિત તથા પૌષ્ટિક આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને મિલેટ આધારિત ખાદ્યપદાર્થો દૈનિક આહારમાં સામેલ કરવાથી પોષણમાં વિવિધતા લાવી શકાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
વાનગી સ્પર્ધામાં આંગણવાડી કાર્યકરોએ ટેક હોમ રાશન અને વિવિધ પ્રકારના મિલેટનો ઉપયોગ કરીને અનેક પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી હતી. વાનગીઓમાં સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર તૈયાર કરવાની રીતો રજૂ કરવામાં આવી હતી.
પોષણ ઉત્સવનો મુખ્ય હેતુ બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને પરિવારના સભ્યોમાં પોષણ અંગે જાગૃતિ વધારવાનો છે. મિલેટ જેવા પૌષ્ટિક અનાજનો ઉપયોગ વધે અને રોજિંદા આહારમાં પોષક તત્વોથી ભરપૂર વાનગીઓનો સમાવેશ થાય તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ બની રહ્યા છે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શિવાભાઈ ચૌહાણ, ગોપાલભાઈ વાઘેલા, નાયબ કલેક્ટર મિશ્રા, રાજપાલસિંહ સરવૈયા, મોખડકા સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA