વાડીમાં કેબલ ચોરી કરવા ઘૂસેલા શખ્સોનો આતંક, મારામારી બાદ મજૂરનું મોત; નખત્રાણા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના મંજલ ગામની સીમમાં વાડીમાં કેબલ વાયર ચોરીના ઇરાદે ઘૂસેલા શખ્સોએ મજૂર દંપતી સાથે મારામારી કરતાં એક મજૂરનું મોત નીપજ્યાના બનાવનો નખત્રાણા પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને નેત્રમ કમાન્ડ એન
નખત્રાણા ચોરી સાથે ખૂન કેસના આરોપીઓ


કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના મંજલ ગામની સીમમાં વાડીમાં કેબલ વાયર ચોરીના ઇરાદે ઘૂસેલા શખ્સોએ મજૂર દંપતી સાથે મારામારી કરતાં એક મજૂરનું મોત નીપજ્યાના બનાવનો નખત્રાણા પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની મદદથી પોલીસે બે શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તેમની પાસેથી ચોરીના મુદ્દામાલ અંગેની કડીઓ પણ મેળવી હોવાનું જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, 11 સપ્ટેમ્બરની વહેલી સવારે અંદાજે ત્રણ વાગ્યાના અરસામાં મંજલ ગામની સીમમાં આવેલી એક વાડીમાં બે શખ્સો કેબલ વાયર ચોરી કરવા પહોંચ્યા હતા. તે સમયે વાડીમાં રહેતા મજૂર કિરણ દિનેશ નાયક અને તેમની પત્ની રહિતાબેન જાગી જતા બંને સાથે મારામારી કરવામાં આવી હતી. દરમિયાન કિરણભાઇને કુહાડીના ઉંધા ભાગથી ઈજા પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ દંપતી નજીકના સંબંધીના ઘરે પહોંચવા દોડ્યું હતું, પરંતુ રસ્તામાં કિરણભાઇ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું. બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

ગંભીર બનાવને પગલે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને નાયબ પોલીસ અધિક્ષક બી.બી.ભગોરાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. પીઆઇ એ.એમ. પટેલના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમે ટેકનિકલ માહિતી અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના ઇનપુટના આધારે તપાસ આગળ ધપાવી હતી.

તપાસ દરમિયાન હાસમ ઓસમાણ વાંઢા અને સાએબ આમદ વાંઢા બંને હાલ માધાપર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેને ઝડપી લીધા હતા. ચોરીનો માલ ખરીદનાર તરીકે ભુજના ભક્તિનગર વિસ્તારમાં રહેતા જુબેર રજાક કુંભારનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા હાસમ વાંઢા સામે અગાઉ ચોરી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કચ્છના વિવિધ વિસ્તારોમાં વાડીના બોરના કેબલ વાયર કાપીને ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. રૂદ્રાણી ડેમ, કોડકી-ફોટડી, માધાપર નજીકનો કારીમોરી વિસ્તાર, જતાવીરા-ભારાપર, ગઢશીશા-માંડવી રોડ, મેઘપર-નારાણપર તથા સામત્રા ટોલ પ્લાઝા આસપાસના વાડી વિસ્તારોમાંથી કેબલ ચોરીના બનાવોની કડીઓ તપાસમાં સામે આવી છે.

નખત્રાણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ગુનાઓ સાથે આરોપીઓની સંડોવણી તથા ચોરીના મુદ્દામાલ અંગેની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande