
અમદાવાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ અને નવરંગપુરામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર, પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. 2 કલાકમાં 62.51 મીમી વરસાદથી પ્રહલાદનગર, સેટેલાઈટ, બોપલ, હાટકેશ્વર, મણિનગર, ખોખરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા.
અમદાવાદમાં આજે વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આજે સવારના થોડા કલાકોના વરસાદથી અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, સવારે 6થી 8 વાગ્યા દરમિયાન અમદાવાદમાં 62.51 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ ડ્રેનેજમાંથી પાણી બેક આવવાની સ્થિતિ પણ સર્જાઈ છે. મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. જ્યારે સીમા હોલ પાસે રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા અને કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસવાનું શરૂ થયું હતું. બીજી બાજુ વાસણા બેરેજના 14 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જોકે, હવામાન વિભાગે આજે અમદાવાદ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની સૌથી વધુ અસર જોવા મળી છે. હાટકેશ્વર સર્કલ જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી અને મણિનગરના અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર થઈ છે.
હાટકેશ્વર-ખોખરા અને હાટકેશ્વર-સીટીએમ રોડ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ખોખરા અને મણિનગરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયાની માહિતી છે. ગોરણ કૂવા, ગુરુજી ઓવરબ્રિજ અને પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે પણ પાણી ભરાયું છે. ઓઢવના જનતાનગરમાં પણ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પ્રહલાદનગરનો કોર્પોરેટ રોડ પણ પાણીમાં ગરકાવ થયો હતો.
વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા કેટલાક વાહનચાલકો પાણીમાં અટવાયા હતા. દરમિયાન, પાણી ભરાવાને કારણે અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતાં અંડરપાસમાં વાહનવ્યવહાર જોખમી બન્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા બાદ તેના નિકાલ માટે એએમસીની ટીમો સમયસર દેખાઈ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ પાણીના ઝડપી નિકાલ સાથે કેચપિટ અને ડ્રેનેજ ચેમ્બરની નિયમિત સફાઈ કરવાની માંગ કરી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા અંગેનો નિર્ણય સ્થાનિક પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈને લેવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે. એટલે કે શાળાઓ દ્વારા સ્થાનિક સ્થિતિનું મૂલ્યાંકન કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ