


કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : તીર્થસ્થળોની સ્વચ્છતા જાળવવાની સાથે લોકોમાં પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ખેતરપાર દાદા મંદિરના પ્રાંગણમાં “સ્વચ્છ તીર્થ ધામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. RUDA ફાઉન્ડેશન, એગ્રોસેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને કુકમા ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 160 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં 85 ભાઈઓ, 53 બહેનો અને 22 બાળકોએ હાજરી આપી સ્વચ્છતા અભિયાનને જનભાગીદારીનો રંગ આપ્યો હતો. પ્રારંભે RUDA ફાઉન્ડેશનના અબ્દુલગની સમાએ ઉપસ્થિત મહેમાનો અને સહભાગીઓનું સ્વાગત કરી કાર્યક્રમના ઉદ્દેશ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભુજ તાલુકાની કુકમા, ભુજોડી, સુમરસર, ધોરડો અને ખાવડા ગ્રામ પંચાયતોમાં એગ્રોસેલના સહયોગથી RUDA ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી પણ આપી હતી.
આયોજન દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણ તેમજ માનવજીવન અને પશુ-પક્ષીઓ પર થતી પ્રતિકૂળ અસરો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઘરગથ્થુ અને જાહેર સ્થળોના કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીને તેના સુવ્યવસ્થિત નિકાલની જરૂરિયાત સમજાવવામાં આવી હતી.
ભીના અને સૂકા કચરા વચ્ચેનો તફાવત સમજાવતા જણાવાયું હતું કે ખોરાકના અવશેષો, ફળ-શાકભાજીની છાલ, ચા-કોફીની ભૂકી તથા ફૂલ-પાંદડા જેવા જૈવિક કચરાને ભીના કચરામાં અલગ કરવો જોઈએ. બીજી તરફ કાગળ, પૂંઠું, પ્લાસ્ટિક, બોટલો, કાચ અને ધાતુના ડબ્બા જેવા કચરાને સૂકા કચરા તરીકે અલગ રાખવાની સમજ આપવામાં આવી હતી.
કુકમા ગ્રામ પંચાયતના સરપંચ રસીલાબહેને પંચાયત વિસ્તારમાં RUDA ફાઉન્ડેશનના સહયોગથી ચાલી રહેલા વિવિધ કાર્યો અંગે માહિતી આપી હતી. યુવા અગ્રણી ઉત્તમભાઈ રાઠોડે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે વિવિધ સંસ્થાઓના પ્રયાસોને આવકારી ગ્રામજનોના સહયોગથી ગામને સ્વચ્છ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
GPCBના અધિકારીઓએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સમજાવી પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય બંધારણના આર્ટિકલ 51A(g) હેઠળ પ્રકૃતિ, જંગલો, તળાવો, નદીઓ અને વન્યજીવોનું રક્ષણ કરવું તેમજ જીવમાત્ર પ્રત્યે કરુણા રાખવી એ નાગરિકોની મૂળભૂત ફરજ હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ઉષાબહેન માહેશ્વરી, આહીર સમાજના અગ્રણી દેવશીભાઈ આહીર તથા ખેતરપાર દાદા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. RUDA ફાઉન્ડેશનના CEO સંજીવ સર અને દિવ્યા મેડમના માર્ગદર્શન હેઠળ અસલમભાઈ તથા ભૂમિકા બહેને વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબ્દુલગની સમાએ કર્યું હતું, જ્યારે અંતે નીતા બહેન ફફળે આભારવિધિ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar