નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન
સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા 300-300 લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃત
Donation of two deep freezers


સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા 300-300 લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે.

આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે.

બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે.

નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 114 સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા 5380 મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ 900 લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે.

આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande