
જૂનાગઢ 18 સપ્ટેમ્બર (હિ.સ.)
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કિટકશાસ્ત્ર વિભાગ, વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી તથા નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રના ખેડૂતો અને યુવાનો માટે ‘મધમાખી પાલન : એક સફળ વ્યવસાય’ વિષય પર તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન બે દિવસીય તાલીમ યોજાઈ હતી.
કાર્યક્રમના પ્રારંભે કુલપતિ ડૉ. વી. પી. ચોવટીયાએ મધમાખી પાલનનું કૃષિ ક્ષેત્રમાં મહત્વ તથા પાક ઉત્પાદનમાં પરાગનયનની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખેતી સાથે મધમાખી પાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવવાથી વધારાની આવકની તક ઊભી થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. બી. જાદવ, સંશોધન નિયામક ડૉ. વી. ડી. તારપરા, કુલસચિવશ્રી ડૉ. વાય. એચ. ધેલાણી તથા મદદનીશ બાગાયત નિયામક એમ. આર. અગ્રવાલ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કુલ ૬૮ ખેડૂતો અને યુવાનોએ ભાગ લીધેલી તાલીમમાં મધમાખી ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, વસાહતની સંભાળ, મધ અને અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન, રાણી મધમાખીનું મહત્વ, રોગ-જીવાત વ્યવસ્થાપન તથા મધમાખીની પેટીઓની જાળવણી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓને મધમાખીની પેટીઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી સૈદ્ધાંતિક સાથે પ્રાયોગિક તાલીમ પણ અપાઈ હતી.
કિટકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડૉ. ડી. એમ. જેઠવા સહિત ડૉ. એ. એમ. ભરાડિયા, ડૉ. એમ. કે. ધેલાણી, ડૉ. એસ. આર. વસાવા, ડૉ. પી. જે. ડાવરીયા, ડૉ. બી. એ. ચોલંકી તથા ડૉ. એન. એન. ચૌહાણે તાલીમમાં નિષ્ણાત માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમ દ્વારા ‘ખેતી સાથે મધમાખી પાલનવધારાની આવક સાથે વધુ સારું પરાગનયન’નો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ