



કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજચોરી જેવી પ્રવૃત્તિઓ સામે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ અને PGVCLની સંયુક્ત ટીમોએ જિલ્લામાં છેલ્લા દસ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
સરહદી રેન્જ, ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન એવા લોકોના વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા, જેઓ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસના રેકોર્ડમાં નોંધાયેલ છે. વીજચોરી કે ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ થતો હોવાનું જણાતા PGVCLની ટીમ દ્વારા નિયમ મુજબ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આ વિશેષ ડ્રાઇવ દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 188 વીજ જોડાણો કાપવામાં આવ્યા છે. સાથે જ PGVCL દ્વારા ગેરકાયદેસર વીજચોરી બદલ કુલ રૂ.88,80,277 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
વિસ્તાર પ્રમાણે જોવામાં આવે તો ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાં 14 વીજ જોડાણો કાપવામાં આવ્યા અને અંદાજે રૂ.18 લાખની કાર્યવાહી નોંધાઈ છે. ગાંધીધામ બી ડિવિઝનમાં સૌથી વધુ 57 જોડાણો કાપી રૂ.17 લાખનો દંડ ફટકારાયો છે. આદિપુરમાં 7 જોડાણો સામે રૂ.4.53 લાખ, કંડલા મરીનમાં 12 જોડાણો સામે રૂ.13 લાખની કાર્યવાહી થઈ છે.
અંજારમાં 28 વીજ જોડાણો કાપીને રૂ.7.88 લાખ, દુધઈમાં 18 જોડાણો સામે રૂ.14.42 લાખ, ભચાઉમાં 20 જોડાણો સામે રૂ.3.50 લાખ, લાકડીયામાં 11 જોડાણો સામે રૂ.4 લાખ તથા સામખિયાળીમાં 21 વીજ જોડાણો કાપવામાં આવ્યા હોવાનું પોલીસની માહિતીમાં જણાવાયું છે.
પૂર્વ કચ્છ પોલીસ અને PGVCLની આ સંયુક્ત કામગીરીથી ગેરકાયદેસર વીજ ઉપયોગ સામે કાર્યવાહી વધુ સઘન બનવાના સંકેતો મળ્યા છે. આગામી સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar