


કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર સેવા કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે પૂર્વ કચ્છ જિલ્લામાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત, વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. પોલીસ વિભાગ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સના દુષણથી લોકોને દૂર રહેવા પ્રેરિત કરવા સાથે સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી સાવચેતી અને સુરક્ષાના ઉપાયો અંગે ગ્રામ્ય વિસ્તારોમાં સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. સમગ્ર અભિયાન દરમિયાન 5 હજારથી વધુ નાગરિકોને વિવિધ મુદ્દે માહિતી આપવામાં આવી હતી.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારો સુધી, પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અભિયાન અંતર્ગત કુલ 29 ગામોની મુલાકાત લઈને સ્થાનિક નાગરિકો સાથે સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. અંજાર વિભાગના 13 અને ભચાઉ વિભાગના 16 ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં પોલીસ અધિકારીઓએ, નાગરિકોને નશીલા પદાર્થોના સેવન અને તેના સામાજિક તથા વ્યક્તિગત નુકસાન અંગે સમજ આપી હતી.
“નશાને ના કહો, જીવનને હા કહો” અને “સ્વસ્થ સમાજ, સુરક્ષિત રાષ્ટ્ર” જેવા સંદેશાઓ સાથે યુવાનો સહિત નાગરિકોને નશાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે કેવી રીતે સાવચેત રહેવું, અજાણી લિંક, OTP, બેંકિંગ વિગતો કે અન્ય સંવેદનશીલ માહિતી કોઈ સાથે શેર ન કરવી સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારોમાં સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ તાત્કાલિક મદદ મેળવવા માટે 1930 હેલ્પલાઈનની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત રિફંડ સંબંધિત GRM અને MRM મોડ્યુલ, ઈ-ઝીરો FIR સહિતની સુવિધાઓ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
પોલીસ વિભાગના આધુનિકીકરણ અને નાગરિકલક્ષી સેવાઓ અંતર્ગત ઈ-ગુજકોપ, નેત્રમ, સુરક્ષા સેતુ સોસાયટી, મહિલા સુરક્ષા, નિર્ભયા, અભયમ અને જન રક્ષક 112 ટોલ ફ્રી સેવા સહિતની વિવિધ યોજનાઓ વિશે પણ સમજ આપવામાં આવી હતી. સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) જેવી પહેલોની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત નાગરિકોના પ્રશ્નો સાંભળી યોગ્ય માર્ગદર્શન અને જરૂરી નિરાકરણ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar