

કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા–માતાના મઢ હાઈવે પર માર્ગની હાલતને લઈને વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. મથલ–ટોડીયા ફાટક તેમજ સુરધણ દાદા તીર્થધામ નજીકના માર્ગ પર અનેક સ્થળોએ મોટા ખાડા પડી જતાં આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે મુશ્કેલી સાથે અકસ્માતનું જોખમ પણ ઊભું થયું છે. હાઈવે પર વાહનોની સતત અવરજવર વચ્ચે રોડની બિસ્માર સ્થિતિ હવે તાત્કાલિક ધ્યાન માગી રહી છે.
માર્ગ પર પડેલા ખાડાઓના કારણે ખાસ કરીને નાના વાહનો અને દ્વિચક્રી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાની ઊંડાઈ અને સ્થિતિનો અંદાજ ઘણી વખત દૂરથી ન આવતો હોવાથી અચાનક બ્રેક મારવાની અથવા વાહનનું સંતુલન જાળવવાની સ્થિતિ સર્જાઈ શકે છે. પરિણામે પાછળથી આવતા વાહન સાથે અથડામણ થવાની સંભાવના પણ રહે છે.
સ્થિતિ વધુ ગંભીર ત્યારે બની શકે છે જ્યારે વાહનચાલકો ખાડાઓથી બચવા માટે માર્ગની બીજી બાજુ તરફ વાહન લઈ જવાનો પ્રયાસ કરે. આવા સમયે સામેથી આવતા વાહનો સાથે ટક્કરનું જોખમ વધી શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે રોડ પરના ખાડા સ્પષ્ટ ન દેખાતા હોવાથી જોખમમાં વધારો થવાની શક્યતા છે.
સુરધણ દાદા તીર્થધામ તરફ આવતા-જતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક અને લાંબા અંતરના વાહનચાલકો માટે આ માર્ગ મહત્વનો હોવાથી રસ્તાની યોગ્ય જાળવણી જરૂરી બની છે. સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે માર્ગ પર માત્ર કામચલાઉ રીતે માટી કે અન્ય સામગ્રી નાખવાને બદલે ખાડાઓનું યોગ્ય રીતે સમારકામ કરી રોડની ગુણવત્તા જાળવવામાં આવે.
કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ વાહનચાલકોને પણ માર્ગની હાલત ધ્યાનમાં રાખીને ઓછી ઝડપે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. સવાલ હવે એ છે કે અકસ્માત બાદ સમારકામ થશે કે અકસ્માત પહેલાં તંત્ર જાગશે?
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar