
કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પાલારા ખાસ જેલમાં હત્યાના ગુનામાં 10 વર્ષની સજા ભોગવી રહેલો પાકો કેદી ફર્લો રજા પૂર્ણ થયા બાદ જેલમાં પરત નહીં ફરતા ફરારી જાહેર થયો હતો. પશ્ચિમ કચ્છ-ભુજની પેરોલ ફર્લો સ્કોડે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી આ કેદીને ભચાઉ તાલુકાના લાકડીયા વિસ્તારમાંથી ઝડપી પાડી ફરી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી મુજબ, પાલારા ખાસ જેલના પાકા કેદી નંબર 3375 અબ્બાસ ઇસ્માઇલ સમા, મૂળ ભારાસર ગામ, તા. ભુજનો રહેવાસી છે. તે મુંદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં નોંધાયેલા ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ 304 હેઠળ દોષિત ઠરી 10 વર્ષની સજા ભોગવી રહ્યો હતો. જેલ પ્રશાસન દ્વારા નિયમ મુજબ તેને 14 દિવસની ફર્લો રજા મંજૂર કરવામાં આવી હતી.
20 ઓગસ્ટ 2026ના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગના આદેશના આધારે કેદીને ફર્લો રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. રજાનો સમયગાળો પૂર્ણ થયા બાદ 6 સપ્ટેમ્બર 2026ના રોજ તેને પાલારા ખાસ જેલ ખાતે પરત હાજર થવાનું હતું. જોકે નિર્ધારિત તારીખે કેદી જેલમાં હાજર ન થતાં તે ફર્લો રજામાંથી ફરારી બન્યો હતો.
આ ઘટનાને પગલે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ફરારી કેદીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પેરોલ ફર્લો સ્કોડની ટીમે ટેકનિકલ તપાસ સાથે ખાનગી બાતમીદારો પાસેથી પણ માહિતી એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન કેદી ભચાઉ તાલુકાના લાકડીયા ખાતે આવેલી મહાદેવ હોટલ નજીક હોવાની ચોક્કસ માહિતી ટીમને મળી હતી.
બાતમીના આધારે પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ભુજ ખાતે રવાના નોંધ કરાવી લાકડીયા તરફ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પર વોચ રાખી તપાસ કરતાં અબ્બાસ ઇસ્માઇલ સમા બાતમીવાળી જગ્યાએ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ ફરારી કેદીનો કબજો પાલારા ખાસ જેલને સોંપવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી બોર્ડર રેન્જ આઇજીપી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાના અનુસંધાને કરવામાં આવી હતી. પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ એમ.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ માહિતી અને મેદાની તપાસના સંકલનથી ફરારી કેદીને શોધી કાઢ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar