
- અમદાવાદમાં 5 અંડરપાસ અને બીઆરટીએસના રૂટ બંધ, એએમટીએસ ડાઇવર્ટ
- તંત્રના પાપે અનેક વિસ્તારો પાણીમાં ગરક થયાં
- અમદાવાદમાં ભારે વરસાદને કારણે કોલકત્તાથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ ઇન્દોર ડાઇવર્ટ
અમદાવાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેરમાં સવારે 7 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પ્રહલાદનગરનો કોર્પોરેટ રોડ પાણીમાં ગરકાવ થયો હતો. વરસાદને કારણે વહેલી સવારે અસંખ્ય વાહનચાલકો પાણીમાં અટવાયા હતા.અમદાવાદમાં ભારે વરસાદને કારણે કોલકત્તાથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ ઇન્દોર ડાઇવર્ટ કરવા આવી.
અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ અને નવરંગપુરામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર, પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યુ રાણીપ, પાલડી, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા સહિતના વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.
ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સીટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે સ્કૂલોને જરૂર લાગે તો પોતાની વિવેકબુદ્ધિથી રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ડીઇઓ દ્વારા શહેરની તમામ સ્કૂલોને સૂચના અપાઈ છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો રજા જાહેર કરવાની રહેશે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવું પડશે.
મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધુ છે. પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. સવારે ભારે વરસાદ પડતા જ નોકરી-ધંધે જનારા નાગરિકોને હાલાકી પડી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ