
પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : વેરાવળથી આશરે 30 નોટિકલ માઈલદૂર અરબી સમુદ્રમાં તોફાની વાતાવરણ વચ્ચે માછીમારી બોટ માંથી એક ખલાસી ગુમ થઈ જતાં ચકચાર મચી છે. સાથી માછીમારોએ દરિયામાં તેમજ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હોવા છતાં ગુમ થયેલા ખલાસીનો કોઈ પત્તો લાગ્યો નથી.પોલીસ અહેવાલ મુજબ ‘નીલકંઠ ગંગા’ નામની માછીમારી બોટ વેરાવળથી આશરે 30 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં લંગર પર હતી. તે સમયે દરિયામાં તોફાની વાતાવરણ સાથે પવનનું પ્રમાણ વધુ હોવાનું જણાવાયું છે.
બોટમાં સવાર માછીમારો રાત્રિભોજન બાદ સૂઈ ગયા હતા. દરમિયાન તેમની સાથેનો ખલાસી દિલીપભાઈ નાનુભાઈ તળેકર (56), રહે. બાગરીયાપાડા, ગોવાડા, દેહરી, તા. ઉમરગામ, જિ. વલસાડ, ગુમ થઈ ગયો હતો. તે દરિયામાં પડી ગયો કે અન્ય કોઈ રીતે પાણીમાં ગુમ થયો તે અંગે સ્પષ્ટતા થઈ નથી. સાથી માછીમારોએ દરિયામાં અને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ દિલીપભાઈનો કોઈ પત્તો મળ્યો નહોતો. બનાવ અંગે નવીબંદર મરીન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya