




પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા તેમજ ઓગસ્ટ-2026 દરમિયાન
પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની
સમીક્ષા માટે જિલ્લા પોલીસ
વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં આગામી નવરાત્રિ જેવા
તહેવારોદરમિયાન ગુનાઓ અટકાવવા માટે જરૂરી
પગલાં અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
હતું.
કોન્ફરન્સમાં
શરીર અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અસરકારક કાર્યવાહી, તડીપાર સહિતના અટકાયતી પગલાં, નાસતા
ફરતા આરોપીઓને ઝડપી પાડવા
તથા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા રાત્રિ
પેટ્રોલિંગનું આયોજન કરવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવા પણ માર્ગદર્શન અપાયું
હતું.
વધતા સાયબર ક્રાઇમના બનાવોને અટકાવવા લોકોમાં જાગૃતિ કાર્યક્રમો યોજવા તેમજ
પોરબંદર જિલ્લામાં ગાંજો અને અન્ય નશાકારક
પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ હાથ ધરી વધુમાં વધુ કેસ શોધી
કાઢવા સૂચના આપવામાં આવી હતી. શહેર વિસ્તારમાં
ટ્રાફિકનિયમન અસરકારક રીતે કરાવી અકસ્માતોના
બનાવો અટકાવવા પણ જરૂરી વ્યવસ્થા કરવા
જણાવાયું હતું.
ઓગસ્ટ
મહિનામાં ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, અનડિટેક્ટ ઘરફોડ ચોરી અને લૂંટના ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ અનડિટેક્ટ NDPS ગુનાઓ શોધી કાઢવા બદલ પોલીસકર્મીઓની કામગીરીની પ્રશંસા
કરવામાં આવી હતી. આ ઉપરાંત ભેળસેળયુક્ત દૂધ
પકડવા અને લાંબા સમયથી ગુમ થયેલા લોકોને શોધી
કાઢવા બદલ પણ પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર
એનાયત કરાયા હતા. LCBના પોલીસ હેડ કોન્સ્ટેબલ જિતુભાઈ રાજશીભાઈ દાસાએ મિયાણી મરીન પોલીસ
સ્ટેશનના NDPS ગુનામાં 5 કિલો 410 ગ્રામ ગેરકાયદે ગાંજો ઝડપી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો હતો. જ્યારે કુતિયાણા વિસ્તારમાં ભેળસેળયુક્ત દૂધ
બનાવતા શખ્સ પાસેથી 30 લીટર ભેળસેળયુક્ત દૂધ, 75 કિલો મિલ્કપાઉડર
અને પામોલીન તેલના 14 ડબ્બા ઝડપવામાં આવ્યા હતા.પરોલ-ફર્લો સ્કોડ દ્વારા
રાણાવાવ પોલીસ સ્ટેશનના 2010ના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશના
રતલામથી શોધી કાઢવામાં આવ્યો હતો. તેમજ ત્રણ
વર્ષથી ગુમ થયેલી મહિલાને કચ્છના ભુજ માતાના મઢ
ખાતેથી શોધી કાઢવામાં આવી હતી. ઉદ્યોગનગર
પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકને ગણતરીના
કલાકોમાં શોધી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું
હતું. રાણાવાવ પોલીસ દ્વારા એક કેસમાં છેલ્લા
25 વર્ષથી ફરાર આરોપીને કર્ણાટકના
યેલ્લાપુરથી શોધી કાઢવામાં આવ્યો હતો. કમલાબાગ
પોલીસ દ્વારા NDPSના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશના અશોકનગરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઉપરાંત ચોપાટી કનકાઈ મંદિર પાસે થયેલી
અનડિટેક્ટ લૂંટનો ગુનો ડિટેક્ટ કરી આરોપીઓ પાસેથી
મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. માધવપુર મેળો, જન્માષ્ટમીમેળો, મહાનગરપાલિકા ચૂંટણી, વિશ્વ પર્યાવરણદિવસ તેમજ હોળી-ધુળેટી સહિતના પ્રસંગોએ કરેલી કામગીરી બદલ પણ પોલીસ અધિકારીઓ અનેક ર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત
કરવામાં આવ્યા હતા. ક્રાઇમ કોન્ફરન્સમાં
પોરબંદર શહેર, ગ્રામ્ય અને રાણાવાવ ડિવિઝનના નાયબ
પોલીસ અધિક્ષકો તેમજ તમામ પોલીસ સ્ટેશન અને
બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya