વાપીમાં વૃદ્ધા પર લૂંટારુઓનો કહેર, હાથ-પગ બાંધી સોનાના દાગીના લૂંટ્યા
વાપી,24 સપ્ટેમ્બર (હિ.સ.) વાપીના ડૂંગરા ફળિયા વિસ્તારના કોળીવાડમાં વહેલી સવારે 75 વર્ષીય વૃદ્ધા પર બે અજાણ્યા લૂંટારુઓએ હુમલો કરી લૂંટ ચલાવતાં ચકચાર મચી છે. પરિવારના અન્ય સભ્યો ઘરમાં ઊંઘી રહ્યા હતા ત્યારે વૃદ્ધા વહેલી સવારે નાહવા માટે પાણી ગરમ કરવ
વૃદ્ધ મહિલા


વાપી,24 સપ્ટેમ્બર (હિ.સ.)

વાપીના ડૂંગરા ફળિયા વિસ્તારના કોળીવાડમાં વહેલી સવારે 75 વર્ષીય વૃદ્ધા પર બે અજાણ્યા લૂંટારુઓએ હુમલો કરી લૂંટ ચલાવતાં ચકચાર મચી છે. પરિવારના અન્ય સભ્યો ઘરમાં ઊંઘી રહ્યા હતા ત્યારે વૃદ્ધા વહેલી સવારે નાહવા માટે પાણી ગરમ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ અચાનક વૃદ્ધાને પકડી લીધી હતી.

વૃદ્ધા બૂમ ન પાડી શકે તે માટે લૂંટારુઓએ તેમના મોઢામાં કપડાનો ડૂચો ઠાંસી દીધો હતો અને હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન, હાથમાંથી સોનાની બંગડીઓ તેમજ કાનમાંથી સોનાની બુટ્ટી-પટ્ટા ખેંચી લીધા હતા. દાગીના ખેંચતી વખતે વૃદ્ધાના કાન અને ગળાના ભાગે ઈજાઓ પણ થઈ હતી.

લૂંટારુઓ વૃદ્ધાને ઢસડીને ઘરની નજીકના કાદવવાળા વિસ્તારમાં ફેંકી 7 તોલાથી વધુ સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને વૃદ્ધાને કાદવમાંથી બહાર કાઢી સારવાર કરાવી હતી.

બાદમાં ડૂંગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે અને લૂંટારુઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે વાપી વિસ્તારમાં ચકચાર મચી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande