
જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા આયોજિત “સેવા સંકલ્પ અભિયાન: સેવા મેરા યોગદાન” અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે 'ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ ટ્રેનિંગ' (First Respondent Training) તથા CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડૉ. ડાભીના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના તમામ PHC ના મેડિકલ ઓફિસર્સ (MO), આયુષ મેડિકલ ઓફિસર્સ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) તેમજ સમગ્ર હેલ્થ સ્ટાફે ઉત્સાહપૂર્વક કામગીરી બજાવી હતી.
માર્ગ અકસ્માત કે હાર્ટ એટેક/કાર્ડિએક અરેસ્ટ જેવી કટોકટીની સ્થિતિમાં સમયસર CPR આપીને દર્દીનો અમૂલ્ય જીવ કેવી રીતે બચાવી શકાય, તેનું પ્રાયોગિક (ડેમોસ્ટ્રેશન) માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે તે પહેલાંનો ‘ગોલ્ડન અવર’ અત્યંત મહત્વનો હોય છે; તે સમયે સ્થાનિક નાગરિકો પ્રાથમિક મદદગાર (First Responder) તરીકે તાત્કાલિક જીવનરક્ષક સહાય કેવી રીતે કરી શકે તે અંગે વિગતવાર માહિતી આપી જાગૃતિ કેળવવામાં આવી હતી.
તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે સ્થાનિક અગ્રણીઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોએ ઉપસ્થિત રહી આ તાલીમનો લાભ લીધો હતો.
માળિયા તાલુકા હેલ્થ ઓફિસ અને સ્થાનિક આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી યોજાયેલ આ કાર્યક્રમ માર્ગ સલામતી અને કટોકટી વ્યવસ્થાપન માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ