
જૂનાગઢ 25 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે રેડ ક્રોસ સોસાયટી, જૂનાગઢના સહયોગથી “રક્તદાન કરો, જીવન બચાવો”ના સંદેશ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવું, રક્તદાનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવી તેમજ વિદ્યાર્થીઓમાં સમાજસેવા અને માનવતાની ભાવના વધુ મજબૂત બનાવવી એ શિબિરનો મુખ્ય ઉદ્દેશ હતો.
આ રક્તદાન શિબિર કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. એમ. ડી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. કાર્યક્રમનું આયોજન ડૉ. એસ. વી. માવદીયા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર, વેટરનરી કોલેજ, જૂનાગઢ તથા ડૉ. પાર્થ દેસાઈ, એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર, પોલિટેક્નિક ઇન એનિમલ હસબન્ડરી, જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. શિબિરમાં રેડ ક્રોસ સોસાયટી, જૂનાગઢ દ્વારા તબીબી અને રક્તસંગ્રહ સંબંધિત સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી, જૂનાગઢના ઉપપ્રમુખ શ્રી મનીષ આચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વેટરનરી કોલેજ તથા પોલિટેક્નિકના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને અન્ય સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કરવા અંગે રક્તદાન પ્રતિજ્ઞા પણ લીધી હતી. રક્તદાન જીવન બચાવવાનું સર્વોત્તમ માનવીય કાર્ય છે અને તંદુરસ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું એક રક્તદાન અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે તે અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી.
રક્તદાન શિબિર દરમિયાન કુલ ૬૪ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તથા સ્ટાફના ઉત્સાહપૂર્ણ સહભાગથી એન.એસ.એસ. દિવસની ઉજવણીને સમાજસેવા અને માનવતાના સંદેશ સાથે સાર્થક બનાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ