
જૂનાગઢ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ચોમાસાની ઋતુ દરમિયાન આકાશમાંથી વરસતી હેલી અને ચારેય તરફ ફેલાયેલી હરિયાળી આપણને સૌને મંત્રમુગ્ધ કરી દે છે. આજના આધુનિક સમયમાં જ્યારે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી મોટો પડકાર છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ એ જ એકમાત્ર સ્થાયી અને ભરોસાપાત્ર રસ્તો છે.
જમીનની કાયાપલટ કરતી ચોમાસાની ઋતુ
વરસાદનું આગમન થતાં જ ખેતરોમાં અસંખ્ય સૂક્ષ્મજીવો અને અળસિયા સક્રિય થઈ જાય છે. રાસાયણિક દવાઓના અત્યાચારથી થાકી ગયેલી જમીનને ફરીથી જીવંત કરવા માટે આ સૌથી ઉત્તમ સમયગાળો ગણાય છે. ચોમાસામાં કુદરતી ભેજ અને ગરમીનું સંતુલન જીવામૃત અને ઘનજીવામૃતના પ્રસાર માટે સૌથી સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
જો આ સમયે જમીનમાં કોઈ પણ પ્રકારના ઝેરી રસાયણો નાખવામાં ન આવે, તો જમીનની કુદરતી ઉત્પાદન શક્તિ બમણી ઝડપથી વધી જાય છે.
પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે શૂન્ય બજેટ પર આધારિત છે. ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનતા દેશી નુસખાઓથી પાકનું રક્ષણ થાય છે. ચોમાસામાં આ પદ્ધતિ અપનાવવાથી છોડને રોગ સામે લડવાની કુદરતી શક્તિ મળે છે. જેના પરિણામે ખેડૂતનો ખાતર-દવાનો ખર્ચ ઘટે છે અને શુદ્ધ નફો વધે છે.
પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થયેલ અન્ન આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. રાસાયણિક અવશેષો વગરનું શુદ્ધ અન્ન માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
ગુજરાત સરકારના 'પ્રાકૃતિક કૃષિ અભિયાન' હેઠળ આજે હજારો ખેડૂતો ઝેરમુક્ત ખેતી તરફ વળીને રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર પૂરો પાડી રહ્યા છે.
આ ચોમાસામાં સૌ ખેડૂત મિત્રો સાથે મળીને એવો સંકલ્પ કરીએ કે આપણા ખેતરના ઓછામાં ઓછા એક ભાગમાં કે એક પ્લોટમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવીશું. આપણી ધરતી માતાની ઉર્જા અને પવિત્રતાને જાળવી રાખીને આપણી આવનારી પેઢીને રોગમુક્ત અને સ્વસ્થ જીવનની ભેટ ધરીએ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ