
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ LCB પોલીસે સમી તાલુકાના કનીજ ગામની સીમમાં ત્રણ મહિના પહેલાં થયેલી ગર્ભવતી ભેંસની કતલના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સમીના અમરાપુર પાર્ટીમાં રહેતા અલ્લારખા કાળુ સિન્ધીને ઝડપી પાડ્યો છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા તેના બે સાગરીતો હારૂન જુમા સિન્ધી, રહે. જામવાડી, જામનગર અને મોહંમદ શાકીબ મનન, રહે. વટવા, અમદાવાદને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
કનીજ ગામના બેચરભાઈ વિરમભાઈ ઠાકોરે 13 જૂન, 2026ના રોજ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 12 જૂનની બપોરથી 13 જૂનની સવાર દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમની ગર્ભવતી ભેંસને કાપીને મારી નાખી હતી. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 325 હેઠળ ગુનો નોંધ્યો હતો.
તપાસ દરમિયાન અલ્લારખા કાળુ સિન્ધીની સંડોવણી સામે આવી હતી. શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટના ગુનામાં અટક કરાયેલા અલ્લારખાની LCB દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે હારૂન જુમા સિન્ધી અને મોહંમદ શાકીબ મનન સાથે મળી ગુનો કર્યો હોવાની કબૂલાત આપી હતી. ઝડપાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે સમી પોલીસને સોંપવામાં આવ્યો છે. ફરાર બંને આરોપીઓને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ