
નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર (હિં.સ.) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના હેઠળ મહારાષ્ટ્રમાં પહેલો સ્ટીલ પુલ તૈયાર કરી લેવામાં આવ્યો છે. 100 મીટર લાંબો અને 1,405 ટન વજનનો આ પુલ થાણે જિલ્લાના ભિવંડીમાં ડાઈવ-અંજુર ગામ પાસે નાસિક હાઈવે (રાષ્ટ્રીય રાજમાર્ગ-3) પર બનાવવામાં આવ્યો છે.
આ પુલને લગભગ 1,300 કિલોમીટર દૂર તમિલનાડુના ત્રિચીમાં તૈયાર કરવામાં આવ્યો. ત્યારબાદ તેને મોટા ટ્રેલરો દ્વારા મહારાષ્ટ્ર લાવવામાં આવ્યો અને અહીં જોડીને નિર્ધારિત સ્થળે સ્થાપિત કરવામાં આવ્યો. અધિકારીઓના મતે, આ કામ દેશમાં મોટા અને જટિલ સ્ટીલ માળખાં તૈયાર કરવાની વધતી ક્ષમતા દર્શાવે છે.
પુલ બનાવવા દરમિયાન સ્ટીલની કટાઈ, ડ્રિલિંગ, વેલ્ડિંગ અને પેઇન્ટિંગનું કામ નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવ્યું. ઉપયોગમાં લેવાયેલા સ્ટીલના દરેક બેચની અલ્ટ્રાસોનિક તપાસ કરવામાં આવી. વેલ્ડિંગ અને દેખરેખના કામમાં લાગેલા કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત કરવામાં આવ્યા હતા.
નિર્માણ સ્થળે પુલને જમીનથી લગભગ 17.5 મીટર ઉપર અસ્થાયી માળખા પર જોડવામાં આવ્યો. આ માટે 22 સ્કિડ વ્યવસ્થા અને 54,076 ખાસ ઉચ્ચ ક્ષમતાવાળા બોલ્ટ લગાવવામાં આવ્યા. પુલની સુરક્ષા અને લાંબા સમય સુધી મજબૂતી જાળવી રાખવા માટે ખાસ પેઇન્ટ અને કંપન ઓછું કરતી બેરિંગ પણ લગાવવામાં આવી છે.
પુલને તેના અંતિમ સ્થાન સુધી પહોંચાડવા માટે સ્વચાલિત પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો. આમાં 150-150 ટન ક્ષમતાવાળા બે જેક અને ખાસ મજબૂત સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. રાજમાર્ગ પર ટ્રાફિકને ઓછામાં ઓછો પ્રભાવિત કરવા માટે પુલને રાત્રે ટ્રાફિક રોકીને સ્થાપિત કરવામાં આવ્યો.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 28 સ્ટીલ પુલ બનાવવામાં આવનાર છે. તેમાંથી 16 પુલોનું કામ પૂરું થઈ ગયું છે. આ પુલ રાજમાર્ગ, એક્સપ્રેસવે, નદીઓ અને રેલવે લાઈનોને પાર કરવા માટે બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં લાંબા ભાગને એક જ પુલથી પાર કરવો જરૂરી હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ