


પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલ પરિસરમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
હતું.
આ સ્વચ્છતા અભિયાન માટે કુલ 5 ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો
દ્વારા ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, DEIC યુનિટ, એમ.આર. હોસ્પિટલ તથા નર્સિંગ કોલેજના
તમામ ગ્રાઉન્ડ અને બિલ્ડિંગ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. અભિયાન
દરમિયાન એકત્ર થયેલા આશરે 1.4 ટન
ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલ તથા
આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા સાથે દર્દીઓ, તેમના પરિજનો,
તબીબી સ્ટાફ અને મુલાકાતીઓ માટે સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું
નિર્માણ કરવાનો હતો.
‘સ્વચ્છતા એ સેવા છે – સ્વચ્છ હોસ્પિટલ, સ્વસ્થ સમાજ’ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા
માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બને અને દરેક
વ્યક્તિ સ્વચ્છતા માટે પોતાનું યોગદાન આપે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે CDMO ડો. દિવ્યા ઓ. ડાગા દ્વારા
હોસ્પિટલના અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ તથા કર્મચારીઓને
સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની
પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya